સુરત : ભરતી નહી તો મત નહિના સ્લોગન સાથે બેનર લગાડ્યા

સામી ચુંટણીએ જ વિવિધ માંગણીઓ સાથે બેનરો લગાડી ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારવાની પ્રથા જાણે શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે એલ.આર.ડી. અને એસ.આર.પી.એફ.ના વિદ્યાર્થીઓની નિમણૂંકને લઈ શહેરના જુદાજુદા વિસ્તરોમાં બેનરો લગાવાયા છે અને ભરતી નહી તો મત નહિના સ્લોગન તેમના લખાયા છે.
ચુંટણી આવે અને વિવિધ સમસ્યાઓની માંગણી સાથે મતદાનના બહિષ્કારની વાત ન આવે તે હવે નવાઈની વાત હોય તેમ લાગે છે. કારણ કે દરેક વખતે ચુંટણી સમયે વિવિધ સમસ્યાઓના નિવેડાની માંગ સાથે જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો મતદાન નહી ના બેનરો વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં લાગી જાય છે. હાલ સ્થાનિય સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે એલ.આર.ડી. અને એસ.આર.પી.એફ.ના વિદ્યાર્થીઓની ભરતીને લઈ બેનરો લગાવાયા છે અને ભરતી નહી તો મત નહીના સ્લોગન સાથેના બેનરો વિવિધ વિસ્તારના ચાર રસ્તા અને સોસાયટીઓમાં લગાડાયા છે. જેમાં બિનસચિવલય સહિતની પરીક્ષાની તારીખો જાહેર કરો, વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય બંધ કરો, ભરતી નહીં કરે ત્યાં સુધી મત નહીં મળે, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચવાની પણ આ બેનરોમાં માંગ કરાઈ છે.
વધુમાં વિદ્યાર્થીઓ સાથે સરકાર દ્વારા કરાતો અન્યાય બંધ કરો અને ભરતી નહી કરે ત્યાં સુધી મત નહિ મળે તેવો હુંકાર પણ વિદ્યાર્થીઓએ કર્યો હતો.