Rajkot : ખાદ્યતેલ માર્કેટમાં ભાવ વધારાનો ઈતિહાસ રચાયો

સીંગતેલમાં ભાવવધારાનો ઈતિહાસ! સિઝનમાં ડબ્બો 2300ની નજીક:ગૃહિણીઓ-વપરાશકારોમાં દેકારો: મોંઘવારીમાં સીધો પ્રભાવ પડવાના ભણકારા: ચાલુ મહિનામાં જ ડબ્બે રૂા.165 વધી ગયા; હજુ વધવાના સંકેત
રાજકોટ ખાદ્યતેલ માર્કેટમાં ભાવવધારાનો ઈતિહાસ રચાયો છે. નવી સીઝન વેળાએ ભાવો ઘટવાને બદલે સતત બેફામ રીતે વધવા લાગ્યા છે. સીંગતેલનો ડબ્બો 2300ની નજીક પહોચ્યાનું અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા વરસાદને પગલે મગફળીનું મબલખ ઉત્પાદન થયુ હતુ એટલે નવા વર્ષે ખાદ્યતેલ સસ્તા મળ્યાનો આશાવાદ હતો. પરંતુ તેનાથી વિપરીત ભાવો બેફામ વધી રહ્યા છે. સીંગતેલ લુઝનો ભાવ આજે બપોર સુધીમાં જ 25 રૂપિયા વધીને 1350 થયો હતો. સીંગતેલ ટેકસપેઈડ નવા ડબ્બાનો ભાવ 2300ની નજીક પહોંચ્યો હોય તેમ 2280 થયો હતો. ડબ્બે રૂા.30 વધ્યા હતા.
વેપારીઓએ કહ્યું કે ચાલુ ઓકટોબર મહિનામાં અત્યાર સુધીના 21 દિવસના 165 રૂપિયાનો ભાવવધારો થયો છે. 1લી ઓકટોબરે સીંગતેલ નવા ડબ્બાનો ભાવ 2115 હતો તેના આજે 2280 હતા. છેલ્લા 12 દિવસમાં જ 125 રૂપિયા વધી ગયા છે. જયારે એક મહિનામાં અંદાજીત 200 રૂપિયાની તેજી થઈ ગઈ છે.
વેપારીઓના કહેવા પ્રમાણે તેલમીલરો નિવાસી સોદાની સપ્લાયમાં પડયા છે એટલે હાજર માર્કેટમાં સપ્લાય ઓછી છે. ચીન માટે જંગી નિકાસ વેપાર થયા જ છે અને હજુ ચાલુ જ છે. સીંગદાણામાં પણ મોટા વેપાર થયા છે. આ સંજોગોમાં માલનું દબાણ ઉભુ થઈ શકતું નથી.
મગફળીની આવકો વધી રહી છે. વધુ સંખ્યામાં તેલમીલો પણ ધમધમવા લાગી હોવા છતાં હાજર બજારમાં કોઈ દબાણ વર્તાતુ ન હોવાનું સૂચક છે. તેલબજારના સૂત્રોએ કહ્યું કે દસ કિલો લુઝનો ભાવ આજે 1350 થયો હતો. ટ્રેન્ડ હજુ તેજીનો જ હોવાથી એકાદ દિવસમાં જ ભાવ 1400ને આંબી જાય તેમ છે. આ સંજોગોમાં સીંગતેલમાં ડબ્બે વધુ 70-80 રૂપિયા વધી શકે છે
સીંગતેલની જેમ મગફળીના ભાવો પણ ઉંચકાતા રહ્યા છે. માર્કેટયાર્ડમાં આજે મગફળી હરરાજીમાં ઉંચામાં 1140 સુધીના ભાવે વેચાય હતી. વેપારીઓએ કહ્યું કે સુપર કવોલીટી હોય તો 1200 જેવા ભાવ પણ મળી રહ્યા છે. અત્યારની સ્થિતિએ સરેરાશ 1000 રૂપિયા મળે છે. સરકારી ટેકાનો ભાવ 1055 છે. ખેડુતોને ખુલ્લા બજારમાં જ સારા ભાવ મળવા લાગ્યા હોવાથી યાર્ડમાં વેપાર વધવાનું મનાય છે.