Surat : આરટીઓમાં લાયસન્સ સંબંધિત કામોને ફેસલેશ કરી દેવાયા

ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કામો માટે લોકોએ આરટીઓના વારંવાર ચક્કર કાપવા ન પડે એ માટે સુરત સહિતની આરટીઓમાં લાયસન્સ સંબંધિત કામોને ફેસલેશ કરી દેવાતા આરટીઓમાં લોકોની અવરજવરમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુરત સહિતની રાજ્યની આરટીઓને પરિપત્ર પાઠવી એન્ડોસમેન્ટની કામગીરી ફેસલેશ કરવા સૂચના આપી હતી.
નાના નાના કામો માટે લોકોને આરટીઓ સુધી ધક્કો ન પડે અને વ્યક્તિ ઘરબેઠા જ આ કામો પુરા કરી શકે એ માટે કેટલીક કામગીરીમાં અરજદારને આરટીઓ સુધી આવવાની આવશ્યકતા ખતમ કરી દેવાઈ છે.જેને લીધે આરટીઓમાં લોકોની ભીડભાડમાં 40 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટુ વ્હીલરનું પાકું લાયસન્સ ધરાવતા લોકોએ ફોર વ્હીલરના લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ આવીને કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરવી પડતી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી પણ ફેસલેશ થઈ ગઈ છે. અરજદાર પોતાની રીતે પણ ઓનલાઈન પ્રક્રિયા પુરી કરી ફોર વ્હીલરના લર્નિંગ લાયસન્સની કોપી ઘર બેઠા કાઢી શકે છે. આ ઉપરાંત હેવી વેહિકલનું લર્નિંગ લાયસન્સ અને ડુપ્લીકેટ લાયસન્સ સહિતની કામગીરી પણ ફેસલેશ થઈ ગઈ છે. તો આ અંગે સુરત આરટીઓ ડી.કે. ચાવડાએ જણાવ્યુ હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ ફેસલેશ કરી દેવામાં આવતા આરટીઓમાં લોકોની અવરજવરમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
આરટીઓમાં ચાલતી લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર ટેસ્ટનું કામ જિલ્લાની અલગ અલગ આઈટીઆઈ કોલેજોમાં શિફ્ટ કર્યા બાદ હવે 4 વ્હીલરના લર્નિંગની પ્રક્રિયા પણ ફેસલેશ કરાતા આરટીઓમાં લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરતા કાઉન્ટરો બંધ કરાયા છે.ફોર વ્હીલરનું લર્નિંગ લાયસન્સ મેળવવા ઘર બેઠા જ ફી ભરી લાયસન્સની પ્રિન્ટ કાઢી શકે છે.આગામી દિવસોમાં લર્નિંગ લાયસન્સની ટેસ્ટ પણ ઘર બેઠા આપી શકાશે.