Surat : ક્રાઈમ બ્રાન્ચની ટીમે આસીફ ટામેટા ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 હેઠળ સુરતમાં આસીફ ટામેટા ગેંગ પર ગુનો નોંધી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટામેટા ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતાં.
ગુજરાત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ 2015ની અમલવારી બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં કાર્યરત જુદીજુદી ગેંગ સામે લાલ આંખ કરી છે. જેમાં આસીફ ટામેટા ગેેંગ કે જે કુખ્યાત ટોળકી હોય તેના સાગરીતો સુલેહ શાંતિ વિરૂદ્ધના, વ્યથા, મહા વ્યથા, ખુન, ખુનની કોશીષ, અપહરણ જેવા શરીર સંબંધી, લુંટ, ખંડણી, ઘરફોડ ચોરી જેવા મિલ્કત સંબંધી, દસ્તાવેજો સંબંધી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ અને આર્મસ એક્ટ તથા એટ્રોસીટી એક્ટ સંબંધી ગંભીર ગુનાઓ આચરતા હોય જે ટોળકી ના મુખ્યા મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદ સાથે તેના ભાઈ અજગર ઉર્ફે અજ્જુ ટામેટા જાફરઅલી સૈયદ સહિત સાગરીતો જેમાં ઈમરાન ઉર્ફે છોટુ સીદ્દીકી, શોએબ ઉર્ફે શોએબ સીટીમનીયાર, શાહરૂખ ઉર્ફે ઉમર શાહ, યુસુફખાન પઠાણ, આમીર ઉર્ફે છોટા હુશેન, નુર ઉર્ફે રાજા શેખ, સરફરાજ સીંધા, અનુરાગસીંગ ઉર્ફે અજય રાજપુત, સમીર શેખ, મોયુદ્દીન ઉર્ફે મોયો બટકો શેખ, અકબરખાન ઉર્ફે લંગડો પઠાણ અને સંદિપ ઓમપ્રકાશ ગુપ્તા સામે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આતંકવાદ અને સંગઠિત ગુનાનિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 અન્વયે ગુનો નોંધ્યો છે. ઉપરોક્ત આરોપીઓમાંથી મોટાભાગના હાલ જુદાજુદા 36 જેટલા ગુનાઓમાં જેલમાં છે. મુખ્ય સુત્રધાર આસીફ ટામેટા રાજકોટ સેન્ટ્રલ જેમાં છે જ્યારે અન્યો પણ જેલમાં હોવાનું જણાવ્યુ હતું.
હાલ સુરતમાં પ્રથમ આસિફ ટામેટા ગેંગ પર ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 હેઠળ ગુનો નોંધાયો હોય જેને લઈ અન્ય ગેંગમાં પણ ફફડાટ વ્યાપી ગયો હોય તેમ લાગી રહ્યું છે.