Surat : કોવિડ હોસ્પિટલોમાં સફાઈ કર્મીઓને પગાર ન મળતા હડતાલ

કોરોનાની મહામારીમાં કોવિડ હોસ્પિટલોમાં કામ કરવા કોઈ તૈયાર ન હતુ ત્યારે ત્યાં કામ કરી સફાઈ કરનારાઓને ત્રણ ચાર મહિનાથી સમયસર પગાર ન મળતા સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. અને કોન્ટ્રાક્ટ હેઠળ હોય સિવિલ તંત્ર અને કોન્ટ્રાક્ટર એક બીજા પર ખો નાંખતા હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારો દ્વારા હડતાળ પાડી વિરોધ કરાયો હતો. તો બુધવારે સિવિલ તંત્ર દ્વારા સાંજ સુધીમાં પગાર આપી દેવામાં બાંહેધરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
માર્ચ 2020થી ભારતમાં કોરોનાની મહામારી શરૂ થઈ છે. સુરતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે કોરોનાની હોસ્પિટલોમાં દર્દીઓ તો આવતા હતા પરંતુ કોરોના હોસ્પિટલમાં કામ કરવા કોઈ તૈયાર ન હતુ. ત્યારે કોરોનાની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે જોડાઈ સેવા આપનારાઓ હાલ તો પગાર માટે વલખા મારી રહ્યા છે. અને તે પણ સરકારી કોવિડ હોસ્પિટલમાં જ પગાર ન મળતુ હોવાની બુમ ઉઠી છે. જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલ કોવિડ સેન્ટરમાં કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ ચાર માસથી સમયસર પગાર ન મળતા તેઓએ મંગળવારે હડતાળ પાડી તંત્ર સામે પસ્તાળ પાડી હતી.
બુધવારે પણ સવારથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતાં. એકથી દોઢ કલાક સુધી ધમાલ થતાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. સુપરિન્ટેન્ડન્ટે કોન્ટ્રેક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની હૈયાધરપત આપી હતી. જોકે ફરી કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે. 700થી 800 કર્મચારી પગારથી વંચિત હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટર માં કામ કરતા સફાઈ કામદારોએ અત્યાર સુધી ચોથી વાર આ મામલે અવાજ ઉઠાવ્યો છે ત્યારે તેઓને સમયસર પગાર નહી મળશે તો તેઓ દ્વારા કામીગીરી છોડી દેવાની પણ ચિમકી અપાઈ છે જેથી તાત્કાલિક તેઓને પગાર અપાઈ તેવી માંગ કરાઈ રહી છે. તો હડતાળ દરમ્યાન એક મહિલા કર્મચારીની બેભાન થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.