Surat : પુણા વિસ્તારમાં ખાડીમાં દુર્ગંધ અને ગંદકીથી લોકો પરેશાન

કોરોનાની મહામારી સુરતમાં ફરી વકરી રહી છે જો કે તેમ છતા સુરત મનપાના તંત્રને શહેરીજનોની કાંઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વરાછા ઝોન બીમાં પુણા વિસ્તારમાં સમ્રાટ સોસાયટીથી હસ્તિનાપુર સોસાયટી વચ્ચે ખાડીમાં દુર્ગંધ અને ગંદકીથી લોકો પરેશાન થયા છે. અને બેનરો સાથે વિરોધ કરી વરાછા ઝોન બીના નાયબ આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.
સુરતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તંત્ર એક તરફ કોરોનાને ડામવા તનતોડ મહેનત કરી રહ્યુ છે ત્યારે વરાછા ઝોન બીમાં સફાઈ કર્મચારીઓ સાથે નાયબ આરોગ્ય અધિકારી પણ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વરાછા ઝોન બીનમાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં સમ્રાટ સોસાયટીથી હસ્તિનાપુર સોસાયટી વચ્ચે ખાડીમાં સાફ સફાઈનો અભાવ હોય છેલ્લા એક મહિનાથી વારંવાર રજુઆતો કરાતી હોવા છતા કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોએ નાયબ આરોગ્ય અધિકારી ડો. ભટ્ટ વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું. અને આરોગ્ય અધિકારી ડો. ભટ્ટ સાહેબ મહેરબાન તો મચ્છર પહેલવાન, મચ્છર મારો, માણસ બચાવો, ખાડી સાફ કરો ગંદકી હટાવો, ખાડીમાં ડ્રેનેજના આઉટલેટ બંધ કરો સહિતના બેનરો સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
હાલ તો સુરતીઓ કોરોના સામે જજુમી રહ્યા છે ત્યારે હવે ગંદકી સામે પણ સુરતીઓને જાતે જ જજુમવુ પડશે કે મનપા તંત્ર તાત્કાલિક કોઈ નિવેડો લાવશે તે જોવુ રહ્યું....