Surat : પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર

સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ વર્ષે બર્ડ ફ્લૂનો ખતરો હોવાના કારણે સેવા કરનારને પીપીઈ કિટ પહેરીને સેવા કરવાની ફરજ પડી રહી છે.
કોરોના સંક્રમણ હોવાથી માસ્ક પણ પહેરવાની ફરજ પડી રહી છે. વળી સેવા કરનારાઓને દર વખત કરતાં આ વખતે વધુ તકેદારી રાખવી પડી રહી છે. કારણ કે આ વખતે પક્ષીઓમાં બર્ડ ફ્લુ ફેલાઈ રહ્યો છે. જેને લઈ પક્ષીઓની સારવાર કરનાર તબીબો પર ખતરો વધુ હોવાથી સેન્ટરમાં પીપીઈ કિટ સતત પહેરી રાખવી પડતી હોવાથી મુશ્કેલી વચ્ચે પણ સેવા યથાવત રાખી રહ્યાં છે. દર્શન દેસાઈ, પ્રયાસ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, દરવર્ષે પક્ષીઓની સેવા કરવાનું કામ કરીએ છીએ. પરંતુ આ વખતે બર્ડ ફ્લૂના ખતરાને લઈને કિટ પહેરીને તથા તકેદારી રાખીને સેવા કરવામાં આવી રહી છે. દર વર્ષ કરતાં આ વખતે લોકોમાં જાગૃતિ વધી હોવાથી હવે પક્ષીઓની ઈજામાં ઘટાડો થઈ રહ્યો છે. કબૂતર મોટાભાગે વધુ ઈજાગ્રસ્ત થતા હોય છે.
ઈજાગ્રસ્ત પક્ષીઓને સેન્ટર સુધી લાવવાનું કાર્ય કરનાર ધ્રુનલ વેરાઈએ જણાવ્યું હતું કે, આ વખતે કોરોના અને બર્ડફ્લૂને ધ્યાનમાં રાખીને અમારે માસ્ક પહેરીને તથા સાવધાનીથી ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કર્યા બાદ પ્લાસ્ટિકના બોક્સમાં સેન્ટર સુધી લાવવામાં આવે છે. તકેદારી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરીએ છીએ.