Surat : ફાયર સેફ્ટીની નવી ગાઈડલાઇન ને લઇ માર્કેટના વેપારીઓ મુંજવણમાં

સુરત મનપાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીની નવી ગાઈડલાઇન બહાર પાડતા જ કાપડ માર્કેટના વેપારીઓ મુંજવણમાં મુકાઈ ગયા છે. સુરત મહાનગર પાલિકાએ કરેલી જાહેરાતને કારણે ટેક્ષ્ટાઈલના વેપારી વર્ગમાં રોષ જોવા મળ્યો છે. નિયમોમાં ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે વિવિધ એસોસિયેશન સાથે ટેક્સટાઈલ માર્કેટમાં બેઠક યોજાઇ રહી છે.
ટેક્ષ્ટાઈલ માર્કેટ વિસ્તારમાં આગના બનાવોને અટકાવવા માટે પાલિકા દ્વારા વખતો વખત માર્કેટ સત્તાધીશોને નોટિસ આપી હતી તેમજ ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં તેઓ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરતા આખરે ફાયર વિભાગ દ્વારા દુકાન અને માર્કેટ સીલ કરવાની કામગીરીનો આરંભ કરાયો છે. ત્યારબાદ વેપારીઓ પાસેથી એફિડેવિટ લઈને દુકાન અને માર્કેટના સીલ તો ખોલી આપવામાં આવી રહ્યા છે . પરંતુ ૧૫ દિવસમાં ફાયર સેફટી સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો માર્કેટના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. જેને લઈ વેપારી વર્ગમાં પાલિકાની આવી નીતિ સામે રોષ ફેલાયો છે. ફોસ્ટાના ડાયરેક્ટર રંગનાથ શારધાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈ માર્કેટના વિવિધ એસોસિયેશનના આગેવાનો તથા ચેમ્બરના ઉપપ્રમુખની હાજરીમા આ મુદ્દે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં માર્કેટના સત્તાધીશો (દુકાનદારો સહિત) સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકા કમિશનર, રાજ્ય સરકારને પણ આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું છે. વેપારી મંડળનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનોનું કહેવું છે કે, તબકકાવાર રજૂઆત કરીશું જો નિરાકરણ ન આવે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી વેપારીઓ દ્વારા બતવામાં આવી છે.