Surat : બ્રેનડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું કર્યું દાન

સમગ્ર દેશમાં વર્ષ 2021નું પ્રથમ ઓર્ગન ડોનેશન અંગદાનમાં અગ્રેસર એવા સુરત શહેરમાંથી થયું છે. ડિંડોલીમાં રહેતા અને અક્સ્માત બાદ બ્રેનડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવું જીવન આપ્યું છે.
ડીંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા સોસાયટીમાં 57 વર્ષીય વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા અને પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટીમાં ક્રિષ્ના ટેક્ષ્ટાઇલના નામથી વિવિંગ યુનિટ ચલાવતા હતા. 30 ડિસેમ્બરના રોજ વિષ્ણુભાઈ પાંડેસરામાં આવેલ પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે 7.15 કલાકે પોતાની બાઈક પર પ્રમુખ પાર્ક પાસેના બ્રીજ ઉતરીને પોતાના ઘરે ડીંડોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાય આવી જતા તેઓએ બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ પડી જતા તેઓને માથાના ભાગે તથા ડાબા પગે ઈજા થવાથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. 1 જાન્યુઆરીના રોજ ન્યૂરોસર્જન, ન્યૂરોફિજીશિયન, ઇન્ટેન્ટસીવીસ્ટ, ફીજીશીયન સહિતના તબીબોએ વિષ્ણુભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં લાગેલા ડોનેટ લાઈફ સંસ્થાના અંગદાન જીવનદાનના પોસ્ટરનો સંદેશ વાંચ્યો હતો. તેથી પરિવારના હિતેશભાઈએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતા અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે અમે થોડા દિવસ પહેલાજ જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષના બાળકના અંગદાનના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચ્યા હતા. ત્યારે અમને લાગ્યું હતું કે આ એક ખુબ જ ઉમદા કાર્ય છે જેનાથી બીજી વ્યક્તિઓને નવજીવન મળે છે. આથી જયારે અમારા સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરવા તૈયારી છીએ. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટ્ટોના કન્વીનરનો સંપર્ક કરી હૃદય, ફેફસાં, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું. સુરત મહાવીર હોસ્પિટલથી ચેન્નાઈનું 1618 કિમીનું અંતર 170 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એમજીએમ હોસ્પિટલમાં ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ એપોલો હોસ્પિટલમાં ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. સુરતની મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલ સુધીનું 270 કિમી રોડ માર્ગનું અંતર 190 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી.
ગુજરાતમાંથી હૃદયદાનની આ 39મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ 31મી ઘટના છે.જેમાંથી 20 હૃદય મુંબઈ, 5 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.