Surat : મકાનને વેંચવાની વાત કરી સોદા પેટે 12 લાખ પડાવ્યા

વેડ દરવાજા વિજય નગર સોસાયટીના મકાનને વેંચવાની વાત કરી સોદા પેટે 12 લાખ પડાવી લઈ દસ્તાવેજ ન કરી આપી ધમકી આપનાર દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે દંપતિને ઝડપી પાડી હતી.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ રોડ પર રહેતા કરશન અંબારામ ખોખાણી જમીન લે-વેચ કરે છે. તેમના ઓળખીતા પ્રવિણ અને શોભા તળાવીયાનું કતારગામની સોસાયટીમાં મકાન છે. દંપતિએ કરશન પટેલ સાથે 25 લાખમાં મકાનો સોદો કર્યો હતો. મકાન પર લોન હતી. પ્રવિણ અને શોભાએ પહેલા 12 લાખ લઇ લખાણ કરી આપ્યું હતું કે લોનના હપ્તા પુરા થશે પછી 13 લાખ રૂપિયા લઈને મકાનનો દસ્તાવેજ કરી આપશે. ત્યાર બાદ પ્રવિણ અને શોભાએ મકાનનો દસ્તાવેજ કરવાનો ઇનકાર કરી દીધો હતો. દસ્તાવેજ કરાવવો હોય તો વધુ રૂપિયાની માંગ કરી હતી. જો વધુ રૂપિયા નહીં આપો તો 12 લાખ રૂપિયા પણ પરત મળશે નહીં અને દસ્તાવેજ પણ નહીં કરી આપશે. કરશને 12 લાખ રૂપિયા પરત માંગતા બળાત્કારના ગુનામાં ફસાવી દેવીની ધમકી આપી હતી. જેથી કંટાળી દલાલ કરશને પ્રવિણ અને શોભા વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બન્ને ઠગ દંપતિ પ્રવિણ તળાવીયા અને શોભા તળાવીયાની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.