કોંગ્રેસનો આક્ષેપ ઈવીએમમાં ભાજપનું કમળ મોટું અને ડાર્ક શાહી વાળું - ચૂંટણીપંચનો દોરી સંચાર ભાજપના હાથમાં

કોંગ્રેસનો આક્ષેપ ઈવીએમમાં ભાજપનું કમળ મોટું અને ડાર્ક શાહી વાળું - ચૂંટણીપંચનો દોરી સંચાર ભાજપના હાથમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચા પ્રસારમાં લાગી ગયા છે પરંતુ રાજકોટ ખાતે મનપાની ચૂંટણી પહેલા ઇવીએમને લઇ રાજકારણ ગરમાયું છે. EVMને લઇને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે EVMમાં ભાજપના કમળનું નિશાન મોટું રાખવામાં આવ્યું છે તેમજ કમળના નિશાનને ડાર્ક શાહીથી છાપવામાં આવ્યું છે જ્યારે અન્ય પાર્ટીના નિશાનો આછી શાહીથી છપાયા છે જેને લઇ ચૂંટણીપંચ ભાજપની દોરવણીથી કામ કરે છે તેવો આક્ષેપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે મતદાર મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેમની પહેલી નજરમાં 4 મોટા કમળ જ દેખાય જ્યારે અન્ય પાર્ટીના નિશાનો નાના હોવાથી મતદાર મુંઝવણમાં પડી શકે છે. અમે ચૂંટણીપંચ સામે વાંધો ઉઠાવ્યો છે કે 24 કલાકમાં પ્રિન્ટિંગ સુધારે જો પ્રિન્ટિંગ નહીં સુધારે તો કાયદાકીય રીતે અમે આગળ વધીશું. આખા ગુજરાતમાં આ પ્રકારના EVMમાં ભાજપના મોટા નિશાન છપાયા છે મતદાતાઓને લોભાવવા માટે આ પ્રકારનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે. આજે ચૂંટણી અધિકારીએ નિશાન જોવા માટે બોલાવ્યા હતા અને અમે તાત્કાલિક આની સામે વાંધો ઉઠાવ્યો છે તેમજ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નિયમો જોવા પડશે અને તમારો લેટર અમે પ્રેસને મોકલીશું.
કોંગ્રેસના આક્ષેપ બાદ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. પરાજય ભાળેલી કોંગ્રેસ હવે ખોટા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. આમા કોઇ લોજીકલ આધાર જ નથી. રાજ્યનું ચૂંટણી પંચ એકદમ નિષ્પક્ષ ન્યાયપૂર્ણ ચૂંટણી યોજવા માટે વર્ષોથી જાણીતું છે.