કેન્દ્ર સરકાર સાથેની આજની બેઠકમાં ખેડૂતો ભડક્યા - તારીખ નહિ નિર્ણય કરો

કેન્દ્ર સરકાર સાથેની આજની બેઠકમાં ખેડૂતો ભડક્યા - તારીખ નહિ નિર્ણય કરો

કેન્દ્ર સરકાર દ્રારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે આજે 5 માં તબક્કાની વાતચીત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઇ હતી જેમાં 40 ખેડૂતોએ ભાગ લીધો હતો. આજની સરકાર સાથેની ચર્ચામાં ખેડૂતો ભડકી ગયા હતા અને કહ્યું હતું કે સરકાર માગણીઓ પૂરી કરે અન્યથા તેઓ બેઠક છોડી જતા રહેશે. ખેડૂતોએ હવે વાતચીત કરવા ઈચ્છતા નથી, સરકાર ઉકેલ શોધે. આજે પણ લંચ બ્રેક સમયે ખેડૂતોએ સરકારી ભોજન લીધુ ન હતું પણ તેમનું ભોજન લઈને આવ્યા હતા. તેઓ પાણી પણ સાથે લઈને આવ્યા હતા. અગાઉ ગુરુવારની બેઠકમાં પણ ખેડૂતો પોતાનું ભોજન લઈને આવ્યા હતા. સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશએ ખેડૂત સાથે વાતચીત કરી હતી. ત્યારે ખેડૂતોની માંગને લઇ સરકારે ગત મીટિંગના દરેક મુદ્દાના લેખિત જવાબ સોંપ્યા હતા. સરકાર MSP ની લેખિત ગેરંટી આપવા તૈયર છે ત્યારે ખેડૂત કાયદો પાછો ખેંચવા અડગ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સરકાર ખેડૂતોના MSP યથાવત રાખવા સાથે લેખિત ગેરંટી આપવા અને ખેડૂત વિધેયકોની જે જોગવાઈ પર ખેડૂતોને વાંધો છે તેમા સુધારા કરવા તૈયાર છે પરંતુ ખેડૂત ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ પર અડગ છે. બેઠકમાં ખેડૂતોએ કહ્યું હતું કે કૃષિ કાયદામાં ફેરફાર કરવાથી કામ નહીં ચાલે પરંતુ સરકારે ત્રણેય કાયદાને પાછાં ખેંચવા જોઈએ।
આજની બેઠક અગાઉ ખેડૂતોના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત તેમના મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી જે બેઠક અંદાજે  2 કલાક ચાલી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રમત ગમતના ખેલાડીઓ - સાહિત્યકારો - પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાને મળેલ અવૉર્ડ સરકારને પરત કરી રહ્યા છે તેમજ વિવિધ સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓનું સમર્થન મળી રહ્યું છે ત્યારે હોશિયારપુર જિલ્લા કબડ્ડી એસોસિયેશનના સભ્યોએ બદામનું લંગર લગાવતા એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે તેમને દોઢ ક્વિન્ટલ બદામ, કાજુ અને અખરોટ આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને વહેંચ્યા છે. તો આ તરફ સિંધુ બોર્ડર પર ગત રાતે ખેડૂત ટ્રેક્ટર પર DJ લગાવીને નાચતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે મનોરંજનની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રેક્ટર પર મ્યુઝિક સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી છે. ખેડૂતોએ આજની મીટિંગ પહેલાં કહ્યું હતું કે સરકાર વારંવાર તારીખ જોઈ રહી છે. ત્યારે તમામ સંગઠનોએ નિર્ણય કર્યો છે કે આજે વાતચીતનો છેલ્લો દિવસ છે. ખેડૂત સંયુક્ત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું હતું કે આજે આરપારની લડાઈ કરીને આવીશું, રોજ રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઈ બીજી વાત નહીં થાય, માત્ર કાયદાને રદ કરવા માટે વાત જ થશે. ખેડૂતો અને સરકાર વચ્ચે 5 મી વાટાઘાટો કોઈ નિર્ણય વગર પૂરી થઈ ગઈ છે. ત્યારે તા.9 ડિસેમ્બરે ફરી મીટિંગ કરશે. . 
કૃષીબીલના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન 3 ખેડૂતોના મૌત થયા છે. તેમજ હાલમાં દેશમાં કોરોના સંક્રમણ વધુ હોઈ ટીકરી - કુંડલી બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા 150 થી વધુ ખેડૂતોને તાવ અને ખાંસી છે. સરકાર દ્રારા અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્યારે ખેડૂતોના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે અને જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે જેને લઇ અંદાજે 1000 થી વધુ ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.
ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવા આજ રોજ એક અરજદાર દ્રારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પીટીશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે માહિતી આપી છે કે હજુ આ અરજીને લઇ સુનવણી તારીખ નક્કી થઈ નથી.
કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે ગેરસમજને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ આંદોલન કરવું યોગ્ય નથી, આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે, સરકાર વાતો કરી રહી છે અને કોઈ બીજી રીત મળી જશે.