કોર્ટ શરુ થવાને લઇ અસમંજસ - ગુજરાત હાઇકોર્ટના 3 જજ કોરોના સંક્રમિત

કોર્ટ શરુ થવાને લઇ અસમંજસ - ગુજરાત હાઇકોર્ટના 3 જજ કોરોના સંક્રમિત

દિવાળીની મજા પ્રજાની માટે સજા બની છે હાલમાં ફરી રાજયમાં કોરોનાનું ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે જેમાં ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. હાઇકોર્ટના જે 3 જ્જ કોરોના સંક્રમિત થયા છે તેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ અને જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા ઉપર ફરી વિચારણા થઇ રહી છે. અગાઉ પણ હાઇકોર્ટનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1281 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે તો સાથે જ રાજ્યમાં રિકવરી રેટ  91.50 ટકા થયો છે. હાલમાં ફરી વધી રહેલા કોરોના કેસોને લઇ ગુજરાતમાં કોરોના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,256 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે તો કુલ ટેસ્ટનો આંકડો 6,978,249 પર પહોંચ્યો છે. કોરોના વાયરસના નવા કેસની સંખ્યા સામે આજે 1274 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે તો કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,75,362 પર પહોંચ્યો છે. આજે 8 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3823 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12,457 એક્ટિવ કેસ છે આ કેસ પૈકીના 83 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12,374 દર્દીઓ સ્ટેબલ છે.