કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચની રીહસલ - પોલીસ તૈનાત

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચની રીહસલ - પોલીસ તૈનાત

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂતોએ આજે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સિંધુ બોર્ડર ઉપર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રેકટર માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી - ટિકરીથી શાહજહાંપુર - ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢવામાં આવશે.
ભારતીય કિશાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ટ્રેક્ટર રેલી તા.26 મી જાન્યુઆરીની તૈયારી છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના આધારે ગાઝીપુર બોર્ડરથી પલવલ સુધી ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા નીકળશે. આ યાત્રા ઈસ્ટર્ન પેરીફેરલ રોડ પર દુહાઈ, ડાસના, બીલ અકબરપુર અને સિરસા થઈને પલવલ જશે અને અહીંથી પરત આવશે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે સરકારને સમજાવવા માટે જ આમ કરી રહ્યાં છીએ. દિલ્હીની અલગ અલગ બોર્ડર પરથી ખેડૂતોનો જથ્થો કુંડલી - માનસેર - પલવલ એક્સપ્રેસ-વે માટે રવાના થઈ રહ્યો છે. ખેડૂત સંગઠન આજે 11 વાગ્યાથી કેએમપી એક્સપ્રેસ વેને જામ કરશે. જેના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કેએમપી એક્સપ્રેસ વે ઉપર પોલીસ અને અર્ધસૈનિક દળોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માગ નહીં સ્વીકારે તો તા.26 જાન્યુઆરીએ પણ ટ્રેક્ટર પરેડ યોજાશે. આજની માર્ચ તેનું જ ટ્રેલર હશે. હરિયાણાનાં ખેડૂત સંગઠનોએ દરેક ગામમાંથી 10 મહિલાને તા.26 જાન્યુઆરી માટે દિલ્હી બોલાવ્યા છે. તો આ જ અપીલ UPના ખેડૂતોની છે.
ગણતંત્ર દિવસ ઉપર ટ્રેક્ટર માર્ચનું નેતૃત્વ મહિલાઓ જ કરશે. હરિયાણાની અંદાજિત 250 મહિલા ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.
ખેડૂતો અને સરકાર વચ્ચે તા.4 જાન્યુઆરીએ યોજાયેલી મીટિંગનું કોઈ પરિણામ આવ્યું નહોતું જેને લઇ હવે પછી આગામી તારીખ તા.8 જાન્યુઆરીએ બેઠક નક્કી થઈ છે. આગામી 9 મી મીટિંગમાં કૃષિ કાયદાને પાછા લેવા અને એમએસપી માટે અલગ કાયદો બનાવવાની માગ અંગે જ વાત થશે. આ પહેલાંની મીટિંગમાં ખેડૂતોની 2 માગ ઉપર સહમતી બની શકી હતી.
કૃષિ કાયદો રદ કરવાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કે.કે વેણુગોપાલને કહ્યું હતું કે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હવે પછી આગામી તા.11 જાન્યુઆરીએ સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની વાત કહી છે.