કચ્છમાં તા.15 મી ડિસે.ના પીએમ મોદીના કાર્યક્રમમાં વિવાદિત લલ્લુજી એન્સ સન્સનું પત્તુ કપાયું

કચ્છમાં તા.15 મી ડિસે.ના પીએમ મોદીના કાર્યક્રમમાં વિવાદિત લલ્લુજી એન્સ સન્સનું પત્તુ કપાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.15 ડિસે.ના રોજ એક દિવસ માટે જ કચ્છ આવશે. અગાઉ તેઓ 2 દિવસીય પ્રવાસ માટે આવવાના હતા અને એક દિવસ રાત્રિ રોકાણ ધોરડો ખાતે કરશે એવા અહેવાલો વચ્ચે હવે માત્ર તા.15મી ડિસે. એક દિવસ માટે પ્રધાનમંત્રી મોદી આવવાના હોવાની માહિતી મળી રહી છે.
ઉત્તરપ્રદેશ સરકારે પ્રાયગરાજમાં લગાવેલા ટેન્ટના મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરી ફરિયાદ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણમાં આવેલા ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ કર્યો છે. ગુજરાત સરકારની લાડલી પેઢી લલ્લુજી એન્ડ સન્સને ધોરડો ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાંથી બાકાત રખાઈ છે અને રાજકોટની પેઢીને કામ અપાયું છે. પ્રયાગરાજના કુંભ મેળામાં તંબુ લગાડવાના ઠેકામાં કરોડોના કૌભાંડને પગલે યુપી સરકારે લલ્લુજી એન્ડ સન્સ કંપનીને પાણીચું આપયું ત્યારે કચ્છમાં પણ તેને અળગી કરી દેવાતાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે કાર્યરત હતા ત્યારથી જ લલ્લુજી એન્ડ સન્સને ટેન્ટ સિટીનો ઠેકો મળતો રહ્યો છે. આમ આ પેઢી સરકારની નજીકની રહી હોવાની છાપ બનાવી કચ્છમાં દર વર્ષે રણોત્સવ પ્રસંગે ટેન્ટ સીટી ઊભી કરવાથી લઇ અને અન્ય સરકારી કાર્યક્રમો પ્રસંગે ડોમ તૈયાર કરવાથી લઇને કાર્યક્રમની વ્યવસ્થા વગેરે કામગીરી લલ્લુજી એન્ડ સન્સને અપાતી હતી. વર્તમાન સમયે ધોરડો સફેદ રણમાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા દર વર્ષની જેમ ટેન્ટ સિટી ઊભી કરાઇ છે અને એ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ તા.15મી ડિસેમ્બરે યોજાશે પરંતુ કાર્યક્રમ માટે ડોમ સહિતની વ્યવસ્થા માટે લલ્લુજી એન્ડ સન્સ પેઢીને ટેન્ડર ન આપી બાજુ ધકેલી દઈ રાજકોટની પેઢી કિશોર પરમાર એન્ડ મંડપ સર્વિસને ટેન્ડર અપાયું છે. માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે અમે લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપતા જ નથી. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રાજકોટની પેઢી દ્વારા વિશાળ ડોમ અને હેલિપેડની વ્યવસ્થા કરાશે. હેલિપેડ તો અગાઉથી તૈયાર જ છે અને મંજૂર થયેલા ભાવ મુજબ રાજકોટની પેઢીને ડોમ ઊભું કરવાનું ટેન્ડર અપાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા.15મી ડિસેમ્બરે માત્ર ગણતરીના કલાકો માટે ભુજ નજીક ઘોરડો ટેન્ટસિટી ખાતે આવવાના છે બાદ બદલાયેલા નવા શિડયૂઅલ મુજબ હવે તેઓ તા.15મીએ કચ્છમાં અદાણી, સુઝલોન સહિત સરકારી કંપનીઓ દ્વારા સ્થપાનારા 30 હજાર મેગાવોટના સોલર વિન્ડ હાઈબ્રિડ એનર્જી પ્રોજેક્ટનું તથા માંડવીમાં શાપૂરજી પાલૂનજી જૂથ દ્વારા સ્થપાનારા દૈનિક 1,000 લાખ લિટર દરિયાઈ પાણીને શુદ્ધ કરવાના ડિસેલિનેશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ દિલ્હી પરત રવાના થઇ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે મંગળવારે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ધોરડોમાં યોજાઈ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાને લઇને અધિકારીઓની ઝાટકણી કાઢતા પ્રવાસન અધિકારીઓને ખખડાવી નાખ્યા છે જેને પગલે જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવમાં વિવિધ જાહેરાતો મુકાશે અને માધ્યમો દ્વારા તેનો પ્રસાર કરશે.


ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 2019ના કુંભમેળામાં 109 કરોડના નકલી બિલો રજૂ કરીને લલુજી એન્ડ સન્સે કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે. આ જ કંપની કચ્છના રણોત્સવમાં 350 તંબુ વિવિધ કલ્સ્ટર મુજબ નાખીને આખું ટેન્ટસિટી ઉભું કરે છે. પ્રવાસીઓને આકર્ષવા સરકાર પણ નીતનવા કાર્યક્રમો અને સરકારી બેઠકોના જમાવડા કરીને અધિકારીઓના કે નેતાઓના મેળા અહીંની તંબુનગરીમાં કરતી હોય છે. આ તંબુનગરીમાં કરાતી વ્યવસ્થાના ખર્ચ પેટે સરકાર પણ બિલ ભારે છે પણ તેની કેટલી રકમ ખાનગી કંપનીને જાય છે તેના બિલનો આંક સામે આવતો નથી. જો તેની તપાસ કરવામાં આવે તો ટેન્ટસિટીના વ્યવહારોમાં પણ દુઘનું દુઘ અને પાણીનું પાણી થઇ જાય તેવું જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. મહાનુભાવોના રોકાણથી કોન્ટ્રેક્ટરને કરોડોનો ફાયદો થઈ શકતો હોય છે. સરકારને અધધ ખર્ચા કરવાની સામે ઠેકેદારને સાચવી લેવાની ગણતરી હોય છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.