ગીર સોમનાથ : 71 વર્ષે વેરાવળ નગર પાલિકાનું નામ બદલશે

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાની સત્તા ભાજપે સંભાળ્યા બાદ આજે પાલીકાની પ્રથમ બજેટ બેઠક પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું વર્ષ 2021-22 નું રૂા. 83.67 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરાયું હતું. બજેટમાં રૂા. 1.49 કરોડની પુરાંત રખાઇ છે. બોર્ડમાં ઉપસ્થીત 40 નગરસેવકો પૈકી 1 કોંગી નગરસેવકે બજેટનો વિરોધ કર્યો હતો.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સ્થાપના 19 જાન્યુઆરી 1950 ના રોજ થઇ હતી.
બજેટ બેઠકના પ્રારંભે જ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા પ્રથમ એજન્ડામાં જ વેરાવળ-પાટણ શહેરનું નામ સોમનાથ અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાનું નામ સોમનાથ નગરપાલીકાના કરવા ઠરાવ રજૂ કર્યો હતો.
જેને ભાજ૫, કોંગ્રેસ અને અ૫ક્ષના તમામ નગરસેવકોએ સર્વાનુમતે મંજુર કર્યો હતો. આ તકે પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા સર્વે સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.
આગામી બજેટ અંગે પ્રમુખ પિયુષ ફોફંડી એ જણાવ્યું હતું કે,
બજેટમાં વિકાસ યોજના માટે 29.10 કરોડ,
જૂના દેણાં ચૂકવવા માટે 6.29 કરોડ તેમજ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે 6.39 કરોડની જોગવાઇ કરાઇ છે.
તો હાલના સ્મશાનને 65 લાખના ખર્ચે અપગ્રેડ કરી ઇલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠી સાથે અગ્નિ, ગેસ, અને ઇલેક્ટ્રિટી સાથેની વ્યવસ્થા કરાશે.
હયાત ઝવેરચંદ મેઘાણી લાયબ્રેરીને અપગ્રેડ કરી 50 લાખના ખર્ચે વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવાશે.
શહેરમાં કુલ 13500 સ્ટ્રીટલાઇટો નાંખવાનો લક્ષ્‍યાંક છે. આ સિવાય અનેક કાર્યો માટે રકમ ફાળવાઇ છે.
વેરાવળ સોમનાથ નગર ને હરીયાળું અને રળીયામણું બનાવવા માટે વૃક્ષારોપણના મહાઅભિયાન હેઠળ શહેરી વિસ્તારમાં 1 લાખ 8 હાજર વૃક્ષોના વાવેતરનો સંકલ્પ રજુ કરાયેલ છે. આ અભિયાન અંતર્ગત શહેર ની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ, સરકારી સંસ્થા ઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરી મહા અભિયાન ને મૂર્તિમંત કરવા માં આવશે. બેઠકમાં પાલીકાના દિવંગત બે પૂર્વ નગરસેવકોને બે મિનીટ નું મૌન પાળી શ્રદ્ધાજલી આપવામાં આવેલ તેમજ બેઠક ના અંતે સર્વે નગરસેવકોએ રાષ્ટ્રગીતનું ગાન કરેલ હતું.