બિહારમાં ફ્રી વેક્સિનેશન વિવાદ બાદ કેન્દ્રીય મંત્રી સારંગીની જાહેરાત - દેશના તમામ લોકોને ફ્રી વેક્સિન મળશે

બિહારમાં ફ્રી વેક્સિનેશન વિવાદ બાદ કેન્દ્રીય મંત્રી સારંગીની જાહેરાત - દેશના તમામ લોકોને ફ્રી વેક્સિન મળશે

હાલમાં કોરોના કાળમાં પ્રથમ બિહાર વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપે બિહાર ચૂંટણીમાં જાહેર કરેલ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો બિહાર રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રી માં આપવામાં આવશે. જેને લઇ વિપક્ષે હોબાળો કર્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રી વેક્સિનનો વાયદો બાકીનાં રાજ્યો સાથે ભેદભાવ કરે છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ ઓડિસાના બાલાસોર ખાતે એક મિટિંગમાં દાવો કર્યો કે દેશના તમામ લોકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.
ઓડિશાના બાલાસોરમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી રવિવારે ચૂંટણી મીટિંગ કરવા માટે ગયા હતા ત્યાં તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ લોકોને વેક્સિન ફ્રી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. દરેક માણસના વેક્સિનેશન પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે.
ઘણા રાજ્યમાં ફ્રી વેક્સિનની જાહેરાત થઇ ચૂકી છે તમિલનાડુ, મધ્યપ્રદેશ, આસામ અને પુડુચેરી પહેલાં જ આ ફ્રી વેક્સિનેશનની જાહેરાત કરી ચૂક્યાં છે આ રાજ્યો પોતાના લોકોને વેક્સિન ફ્રીમાં આપશે. બીજીતરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખા દેશ માટે ફ્રી વેક્સિનની માગ કરી ચૂક્યા છે.