રાજકોટ : 24 કલાકમાં દર એક કલાકે 3થી વધુ કોરોના દર્દીના મોત

રાજકોટ 24 કલાકમાં 82ના મોત, દર એક કલાકે 3થી વધુ દર્દી અંતિમ શ્વાસ લે છે, બપોર સુધીમાં 318 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. શહેર ડેથસ્પોટ બની ગયું છે. 24 કલાકમાં અધધ..82 દર્દીના મોત નીપજ્યા છે. દર એક કલાકે 3થી વધુ દર્દાના મોત નીપજી રહ્યાં છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં નવા 318 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાઇ છે. ગઇકાલે 55 દર્દીના મોત થતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે.
શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના ટપોટપ મોત નીપજી રહ્યાં છે. રાજકોટમાં ગઇકાલે 551 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 24537 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં હાલ 3575 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે 249 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.