લોન મોરેટોરિયમ - નાણામંત્રાલય દ્રારા દિશા નિર્દેશ જાહેર - કોને મળશે લાભ જાણો

લોન મોરેટોરિયમ - નાણામંત્રાલય દ્રારા દિશા નિર્દેશ જાહેર - કોને મળશે લાભ જાણો

લોકડાઉંન દરમિયાન બેંકો દ્રારા લોનના હપ્તામાં અપાયેલી છૂટમાં લોનધારકો પાસેથી વ્યાજનું વ્યાજ લેવા મુદ્દે સુપ્રીમમાં ચાલતા વિવાદને લઇ નાણા મંત્રાલય દ્વારા લોન મોરેટોરિયમ સાથે જોડાયેલ વ્યાજ પર વ્યાજની છૂટ આપવાને લઇને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. કોવિડ -19 સંકટના કારણે RBI તરફથી લોન ચૂકવવાને લઇને સમય આપવા અંગે જાહેરાત કરી હતી. જેના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર 6 મહીના માટે આપવામાં આવેલા સમય દરમિયાન વ્યાજ પર વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચેના અંતરની બરાબર રકમની ચૂકવણી સરકાર કરશે તેવી જાહેરાત કરાઈ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને RBI તરફથી લોન પરત કરવાને લઇને આપવામાં આવેલા સમય હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ છૂટ યોજનાને જલ્દીથી લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ દિશાનિર્દેશ નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્રારા જાહેર કરવામાં આવ્યો છે. નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશ અનુસાર લોન ચૂકવાનાર સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ તા.1 માર્ચથી 31 ઓગસ્ટ સુધીના સમય માટે છે. જેના અનુસાર જે દેવાદારો ઉપર તા.29 ફેબ્રુઆરી સુધીની કુલ લોન 2 કરોડ રૂપિયાથી વધારે નથી તેને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ ઘર લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, વાહન લોન, MSME,  ટકાઉ ગ્રાહક સામાન માટે લેવામાં આવેલી લોન તેમજ વપરાશ માટે લેવામાં આવેલી લોન ધારકોને આ યોજનાનો લાભ મળશે.
નાણામંત્રી દ્રારા જાહેર કરવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર બેંક અને નાણાંકીય સંસ્થા પાત્ર દેવાદારના લોન ખાતામાં ગ્રેસ પીરિયડ હેઠળ વ્યાજની ઉપર વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના ડિફ્રરન્ટની રકમ જમા થશે. આ યોજના બધા પાત્ર દેવાદારો માટે છે જેમણે આરબીઆઇ દ્વારા 27 માર્ચ 2020ના રોજ જાહેર કરેલી યોજના હેઠળ પૂર્ણ રીતે અથવા આંશિક રીતે લોન પરત કરવાની છૂટછાટનો લાભ ઉઠાવ્યો છે.