વંથલી : નગરપાલિકામાં ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ રજુ

વંથલી નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે. એક યા બીજા કારણોસર નગરપાલિકા નો વિકાસ રુંધાઈ રહ્યો છે, પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપવામાં સત્તા પક્ષ સદંતર નિષ્ફળ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ફરી એક વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે. આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે વંથલી કોંગ્રેસ ના ચૂંટાયેલા સદસ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં હાલ ભાજપ સત્તા સ્થાને છે, જ્યારે કોંગ્રેસ વિપક્ષમાં હોય કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતા ફરી એક વખત નગરપાલિકા ચર્ચાની એરણે ચડી છે. નગર પાલિકાના સભ્યોની વિગત જાણી એ તો 24 સદસ્યો પૈકી વીસ સદસ્યોએ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચુંટાઈ આવેલ હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી કોંગ્રેસ પક્ષના 10 સદસ્યોના સહકાર થકી સત્તા હાંસલ કરી હતી. પરંતુ આ સત્તા 13 મહિના જેવો સમય પણ ટકી શકી નથી. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટાયેલા સદસ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં આગામી ટૂંક સમયમાં રાજકીય ભૂકંપ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે આ વિસ્તાર ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નો મત વિસ્તાર હોય ત્યારે રાજકીય દાવપેચ માં કોણ જીતે છે તેના ઉપર ગ્રામજનોની મીટ મંડાઇ છે પ્રિ -મોનસુન અને આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની સેવા કરવાના બદલે રાજકીય આકાંક્ષાઓને સેવવા આ વિસ્તારમાં રાજકીય માથાઓ મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં.