સુરત : 13 હજારનો ગલુડીયુ ખરીદવાની લ્હાયમાં 8 લાખ 62 હજારથી વધુ ગુમાવ્યા

સુરતના સીટીલાઈટ ખાતે રેહતી યુવતિએ ઓનલાઈન 13 હજારનો ગલુડીયુ ખરીદવાની લ્હાયમાં 8 લાખ 62 હજારથી વધુ ગુમાવ્યા હતા જો કે આ અંગે તાત્કાલિક સાયબર સેલની ટીમનો સંપર્ક કરતા સાયબર ક્રાઈમની ટીમે ઠગ આરોપી આફ્રિકનને બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો.
સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ સીટીલાઈટ ખાતે આવેલ બી.જે. પાર્ક સોસાયટીમાં રહેતા પાયલ વિશ્વકર્માએ ઓનલાઈન ડબ્લ્યુ.ડબ્લ્યુ.ડબ્લ્યુ. ક્લીક ડોટ ઈન વેબસાઈટ પર 13 હજારમાં ગલુડીયુ વેંચવાની જાહેરાત જોઈ તેના પર આપેલા નંબરનો સંપર્ક કર્યો હતો. જેથી સામેથી અજાણી વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટ માગંતા પાયલએ 13 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે આરોપીઓએ લોભામણી લલચામણી વાતો કરી પાયલ પાસેથી અલગ અલગ ચાર્જ જેવા કે ઈન્સ્યોરન્સ ચાર્જ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ ચાર્જ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ સહિતના ચાર્જના નામે આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાં આશરે 6 લાખ 86 હજાર મળી કુલ્લે 8 લાખ 62 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે પોતે ઠગાઈ હોવાનો અહેસાસ થતા પાયલએ સુરત સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો જેથી સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી બેંગ્લોરથી મુળ વેસ્ટ આફ્રિકાના ન્યોન્ગબસેન હિલ્લેરી સેલ્વેસ્ટર ડુગાને ઝડપી પાડ્યો હતો.
સુરત સાયબર ક્રાઈમની ટીમે હાલ તો સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ આફ્રિકનને ઝડપી પાડ્યો છે. ત્યારે રોજેરોજ ઓનલાઈન ઠગાઈના બનાવો બની રહ્યા હોય જેને લઈ લોકોએ પણ સર્તક થવાની સાથે જો આવી ઘટના તેઓ સાથે બને તો તાત્કાલિક સાયબર ક્રાઈમ નો સંપર્ક કરવા પણ જણાવાયુ હતું.