સુરત અને અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઇ શું છે જાહેરનામું વાંચો

સુરત અને અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઇ શું છે જાહેરનામું વાંચો

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં પ્રદૂષણ ન વધે તે માટે એનજીટીના આદેશ બાદ દેશના અનેક રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમાં રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સંપૂર્ણ રીતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે ત્યારે એનજીટીની નોટિસ બાદ ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહીં તેને લઈને સરકાર દ્રારા જાહેરનામું બહાર પડ્યું હતું જેમાં ગુજરાત સરકારે શરતોને આધિન રાજ્યમાં ફટાકડા ફોડવા પર મંજૂરી આપી છે અને વિદેશી ફટાકડા ઉપર પ્રતિબંધ લાગુ કરી આ મામલે રાજ્ય સરકારે તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને નિર્દેશ કર્યા હતા અને સ્થાનિક લેવલે મંજૂરી આપવા જણાવ્યું હતું જેને લઇ હવે સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
દિવાળીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સરકારે બહાર પાડેલા નિર્દેશ અનુસાર રાજ્યમાં કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા ફોડી શકાશે નહીં જે માટે તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરે ધ્યાન રાખવું પડશે. કલમ 144 હેઠળ દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડવા પણ આદેશ કર્યા છે. જો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે દેશમાં બનેલા ફટાકડા ફોડી શકાશે. પરંતુ આ ફટાકડા માત્ર 2 કલાક એટલે કે દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે।
રાજ્ય સરકારના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડી શકાશે. જાહેર રસ્તા, બજારો, હોસ્પિટલ જેવી જગ્યાએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે. ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ રહેશે. 125 ડેસીબલથી ઓછા અવાજના જ ફટાકડા વેચવા અને ફોડવાની મંજૂરી રહેશે. વિદેશી ફટાકડાના આયાત પર પણ પ્રતિબંધ લગાવાયો છે. કમિશનર દ્વારા જાહેરનામાનો અમલ કરાવવા સૂચના અપાઇ છે.
અમદાવાદમાં ઓનલાઇન ફટાકડાના વેચાણ ઉપર પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો છે. ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદતા સ્થાનિક વેપારીઓએ રાહત અનુભવી છે. ઓનલાઇન વેચાણના કારણે વેપારીઓનું નૂકસાન થતું હતું આ સ્થિતિમાં પોલીસ કમિશનરના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે તા.9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી જાહેરનામાનો અમલ કરવા આદેશ આપ્યા છે.