સુરત : આરોગ્ય મંત્રી કાનાણીનો વીડિયો વાઈરલ કરનાર કાર્યકરની ધરપકડ

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વિડીયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વિડીયો મુકનાર આમ આદમી પાર્ટીના કાર્યકર વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. તો આપના કાર્યકરની પોલીસે ધરપકડ કરી આપના કાર્યકરોએ વરાછા પોલીસ મથકે પહોંચી વિરોધ કર્યો હતો.
થોડાંક સમય પહેલાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વીડિયો એડિટ કરીને તેમના નામે સોશિયલ મીડિયામાં સરકાર સામે વાંધાજનક ટીપ્પણી કરનાર સામે વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઉધના ખાતે રહેતા ભરત કાંતી પટેલની ધરપકડ કરી છે. આરોપી ભરત કાંતિ પટેલ લુમ્સના કારખાના ચલાવે છે. બનાવ અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. વધુમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તેમના સોશિયલ મીડિાયના ઓફિશિયલ પેજ પર 18મી જુલાઈએ સરકારની કામગીરી તેમજ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા આક્ષેપો સામે 22 મિનિટ અને 10 સેકન્ડનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાંથી કોઈ અજાણ્યાએ એડિટિંગ કરી બે અલગ અલગ વીડિયો બનાવી વાયરલ કર્યો હતા. જેમાં વાંધાજનક કોમેન્ટ કરી હતી. આ વીડિયો ભરત પટેલ નામના વ્યકિતના સોશિયલ મીડિયાના એકાઉન્ટથી 18મી જુલાઇએ અપલોડ કરવામાં આવ્યો હતો. આ બાબતે તપાસ કરતા જે સોશિયલ મીડિયાના આઈડી પરથી વાયરલ થયેલ તે ભરત કાંતિ પટેલે વાયરલ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં વરાછા પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વરાછા પોલીસ મથકે પહોંચી પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના વીડિયોને એડિટ કરી તેમના નામે સરકાર સામે વાંધાજનક ટિપ્પણી કરનાર આરોપી ભરત કાંતિ પટેલની પત્ની સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 24માં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેનો પરાજય થયો હતો. આરોપી ભરત પટેલ પોતે પણ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે. આરોપીએ પોલીસ સમક્ષ એવુ રટણ ચાલુ રાખ્યું હતું કે, મારા મોબાઇલ પર આ વીડિયો આવતા મેં તેને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. મેં પોતે આ વીડિયો બનાવ્યો કે એડિટ કર્યો નથી.