સુરત ઉર્વશી હત્યામાં પરિવારે આપવીતી જણાવી - અતુલ વેકરીયા પૈસા અને રાજકીય પાવરના જોરે કેસ દબાવા માંગે છે

સુરત વેસુના ચકચારીત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં આખરે પીડિત પરિવારે મીડિયા સમક્ષ પોતાનો રોષ પ્રગટ કર્યો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ દારૂના નશામાં ઉર્વશી ચૌધરીની ગાડીને ટક્કર મારી અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું જે બાદ પોલીસ કાર્યવાહીમાં જે રીતે અતુલ વેકરિયાને 24 કલાકમાં જામીન મળી ગયા હતા જે બાદ લોકોનો આક્રોશ અને પીડીતી પરિવારની ન્યાય માટેની લડતને લઇ પોલીસ ઉપર દબાણ વધતા અતુલ વેકરિયાં ઉપર સખત કાર્યવાહી કરતા ફરી અતુલ વેકરિયાને જેલ જવું પડે તેવું હોઈ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અમારા ઉપર ફોન કરી દબાણ કરવામાં આવે છે અને કેસને દબાવી દેવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મની પાવર અને રાજકીય પાવર વાપરીને કેસને રફેદફે કરવા માટે તમામ તમામ પ્રયત્નો કરવાંમાં આવી રહ્યાં છે.
અતુલ વેકરિયા દ્રારા થયેલ અકસ્માતમાં ઉર્વશી ચૌધરીનું મોત નીપજ્યું હતું જેને લઇ ઉર્વશી ચૌધરીની અંતિમવિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી જેથી ઉર્વશીના મૃત્યુ બાદ પરિવાર પોતાના વતન જતો રહ્યો હતો. જેને લઇ સમગ્ર ઘટના અંગે પીડિત પરિવાર આજ દિન સુધી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ આજે મૃતકનાં પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અતુલ વેકરિયાના મોટા નેતાઓ સાથે રાજકીય સંબંધો હોવાથી અને પોતે પૈસાદાર હોવાથી પોલીસે કેસને દબાવી દેવા કાવતરું રચ્યું હોઈ તેમ તેને 24 કલાકમાં જામીન મળી ગયા હતા અને હજુ પણ પોલીસ અને નેતાઓ તેનો બચાવ કરી રહ્યા છે જેને કારણે પોલીસની કામગીરી પર પણ શંકા ઊભી થઈ છે.
અકસ્માત સમયે ઘટના સ્થળે હાજર મૃતકના ભાઇ નીરજ ચૌધરીએ નિર્દોષ બહેનને મોત આપનાર અતુલ વેકરિયા સામે કડકમાં કડક સજા થાય એવી માગ કરી હતી. કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે એવી પરિવારજનો આશા રાખીને બેઠા છીએ પરંતુ જે પ્રકારની રમત પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે એ જોતાં અમને પોલીસની કામગીરી પર પણ શંકા થાય છે. અતુલ વેકરિયા ગમે તેટલા પ્રયત્નો કરે, અમારા પર દબાણ લાવે કે પછી કેસને દબાવવાનો પ્રયાસ કરશે પરંતુ હું મારી બહેનને ન્યાય અપાવીને જ રહીશ.
મૃતક ઉર્વશીની માતાએ જણાવ્યું હતું કે મારે મારી દીકરીની લગ્ન કરીને વિદાય કરવાની હતી પણ અમારે તેને અગ્નિદાહ આપવો પડયો છે. મારી દીકરીના મોત માટે મને 25 - 50 લાખ રૂપિયામાં આપવામાં આવે તો એ રૂપિયાનું અમે શું કરીશું. મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈનું મહત્ત્વ નથી. એ મારી દીકરી નહીં પરંતુ દીકરો હતો. અમે તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છીએ ત્યારે અમારા પરિવારમાંથી જો કોઇને કંઇપણ થશે તો તેના માટે અતુલ વેકરિયા જવાબદાર હશે.
મૃતક ઉર્વશીના કાકા અતુલભાઈએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરે છે ત્યારે અમારી દીકરી સાથે અન્યાય કેમ ?
નેતાઓ એક હત્યારાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. ઉર્વશીનો એકાએક થયેલા અવસાનને કારણે અમારા પરિવાર ઉપર આભ તૂટી પડયું છે. અતુલ વેકરિયા પોતાની રાજકીય તાકાતનો ઉપયોગ કરીને ફોન કરાવે છે અને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવે છે. કેસ પરત ખેંચવા રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે પરંતુ અમે નિર્દોષ છીએ. અમે અમારી દીકરીને ગુમાવી છે. અમે કોઈપણ પ્રકારના દબાણ અને લાલચમાં ન આવીને ન્યાય માટે અંત સુધી લડીશું. ભલે અતુલ વેકરીયા પાસે ગમે તેટલી રાજકીય વગ અને પૈસાની તાકાત હશે તો પણ અમને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને ન્યાય મળશે.
મૃતક ઉર્વશીના એડવોકેટે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ દ્વારા જે પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી છે એના ઉપરથી સૌ કોઈને જાણે છે કે આ કેસમાં પોલીસે હત્યારા અતુલ વેકરિયાને બચાવવા માટે પ્રયત્નો કર્યા છે. જે કલમો લગાવવી જોઈએ એ કલમ ન લગાવીને ઉર્વશી સાથે અન્યાય થયો છે. સમગ્ર ઘટનામાં દોષિત સામે જે પ્રકારની કાયદાકીય કલમ લગાડવી જોઈતી હતી એ ન લગાડીને પોલીસે કેસ સામે સવાલ ઉભા કર્યા છે જે માટે અમે પોલીસ કમિશનરને પણ મળીશું અને ન્યાય માટે હાઇકોર્ટ સુધી પણ જઈશું.