સુરત : કચરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગર ઝડપાયો

દારૂની ખેપ મારનારાઓ અવનવી તરકીબો અજમાવે છે ત્યારે આવા સાતીર બુટલેગરોને તેમ છતા પોલીસ પકડી પાડે છે. જેમાં ડિંડોલી ખાતેથી પી.સી.બી. પોલીસે બાઈક પર લોડીંગ કેરેજ બનાવી તેમાં કચરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
પી.સી.બી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે નવાગામ ડિંડોલી શીવહિરા નગર ખાતેથી બાઈક પર પાછળની સાઈડે લોખંડની લોડીંગ કેરેજ બનાવી તેમાં કચરો લઈ જનાર ક્રિષ્ણા શ્યામલાલ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. અને તેના કચરાના પોટલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે સાતીર બુટલેગર ની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલીસે બુટલેગરની ધરપકડ કરી બાઈક, લોખંડની કેરેજ અને દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જ્યારે બુટલેગરને દારૂનો જથ્થો આપનાર દમણથી મંગાવનાર રાકેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.