સુરત : કતારગામના ફર્નિચર વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ

કતારગામના ફર્નિચર વેપારી સાથે અમરોલીના પિતા-પુત્ર સહિતની ત્રિપુટીએ વિવિધ સ્કીમોમાં રોકાણના બહાને ઉંચા વળતરની લાલચ આપી લાખો રૂપિયા રોકાણ કરાવ્યા બાદ રૂપિયા ન આપી ધમકી આપતા આખરે વેપારીએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી અરજી કરી હતી.
સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચેલા કતારગામ ખાતે રહેતા ફર્નિચર વેપારી સુરેશ પટેલએ આપેલ અરજીમાં જણાવ્યુ હતું કે તેઓને આઠ વર્ષ પહેલા પ્રવીણ વાવડિયા, સાથે મિત્રતા થઈ હતી. જે મુળ ભાવનગરનો છે. જો કે વર્ષ પહેલા પ્રવિણ વાવડિયાએ કેંગન વોટરના પ્લાન્ટનું વેચાણ શરૂ કર્યુ હતું જેમાં પ્લાન્ટ ખરીદવા માટે સુરેશ પટેલ પાસેથી 2 લાખ 57 હજારનું રોકાણ કરાવ્યુ હતું. બાદમાં ફાઈઝર વર્લ્ડ અને સ્પોર્ટ્સ વર્લ્ડ એપ્સમાં રોકાણ કરી ઉંચા વળતરનું પ્રલોભન આપ્યુ હતું. જે અનુસાર આ બન્ને એપ્સમાં રોકાણના નામે 18 જુન 2020ના રોજ 15 લાખ લીધા હતા. એકાદ માસ બાદ પણ વળતર શરૂ નહી થતા સુરેશ પટેલે જવાબ માંગતા પ્રવિણે સિસ્ટમ ચાલુ કરવાના બહાને 25 જુલાઈ 2020ના રોડ 1 લાખ 28 હજાર અને 28 જુલાઈના રોજ 2 લાખ 50 હજાર લીધા હતા. આમ કુલ 19 લાખ 50 હજારનું રોકાણ કરાવ્યુ હતું. સુરેશ પટેલે કેંગન વોટરના પ્લાન્ટ રોકાણની વળતરની ઉઘરાણી કરતા પ્રવિણે એલફેલ જવાબ આપવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં પ્રવિણના પુત્ર જૈનીસે સુરેશને રોકાણના નાણા નહી માંગવા અને વારંવાર ફોન કરે તો એના પિતા આત્મહત્યા કરી લેશે અનને લુંટ ના તથા છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
હાલ તો ન્યાયની માંગ સાથે ફર્નિચરના વેપારી સુરેશ પટેલએ પ્રવિણ વાવડીયા તેના પુત્ર જૈનીશ અને તેના ભાઈ જગદીશ વાવડિયા સહિતનાઓ સામે અરજી કરી ન્યાયની માંગ કરી છે ત્યારે આ વેપારીને પોલીસ ન્યાય અપાવે અને આરોપીઓ સામે કડકમાં કડક પગલા લે તેવી માંગ કરાઈ છે.