સુરત : જનરલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોકડ્રીલ યોજાઈ

કોરોનાની મહામારી વચ્ચે આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા ચૌટા બજાર ખાતે આવેલ સુરત જનરલ એટલે કે ભટ્ટ હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં દર્દીઓને રેસ્ક્યુ કરાયા હતાં. જો કે ફાયરની ગાડીઓ દોડી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ વધી રહી છે સુરતમાં ગત સપ્તાહમાં જ લાલ દરવાજાની આયુષ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી જેમાં અન્ય હોસ્પિટલમાં સિફ્ટ કરાયેલા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતા તો બે દિવસ અગાઉ ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં 18ના મોત નિપજ્યા હતા. તો સુરત ફાયર વિભાગ દ્વારા ચૌટા બજાર ખાતે આવેલ સુરત જનરલ એટલે કે ભટ્ટ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી. ફાયર દ્વારા મોકડ્રીલમાં એક સાથે આઠ આઠ ગાડીઓ દોડાવાતા લોકોમાં ખરેખર આગનો ભય જોવા મળ્યો હતો. જો કે ફાયરે મોકડ્રીલ હોવાનું જણાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
કોરોનાની મહામારી વચ્ચે સતત હોસ્પિટલોમાં આગની ઘટનાઓ વધી રહી છે જેને લઈ ફાયર વિભાગ દ્વારા હાલમાં એકશન મોડમાં આવી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાની તપાસ કરવાની સાથે મોકડ્રીલ યોજી હોસ્પિટલ સ્ટાફને પણ આગ લાગે ત્યારે શુ તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતાં.