સુરત : પી.સી.આર. વાનના કોન્ટ્રાક્ટ ડ્રાઈવર પર જીવલેણ હુમલો

ઉધના પોલીસ મથકની પી.સી.આર. વાનના કોન્ટ્રાક્ટ ડ્રાઈવર પર સ્થાનિક માથાભારેએ ચપ્પુ ગળે મુક્યા બાદ અન્ય બે સાગરીતોને તેના ઘરે મોકલી હુમલો કરાવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતાં.
ઉધના ખત્રીનગર રોડ નંબર ઝીરો ખાતે રહેતો મહેમુદ સૈયદએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી આઉટ સોર્સ એમ.ટી. વિભાગમાં કોન્ટારાક્ટ બેઝ પર ડ્રાઈવીંગ કરે છે. અને હાલ તેની નોકરી ઉધના પોલીસ મથકમાં પી.સી.આર. વાન નંબર 12માં છે. ત્યારે તે પીસીઆર સાથે ઉધના પોલીસ મથકના ઈન્ચાર્જ કોન્સ્ટેબલ હરદેવસિંહ ગોહિલ સાથે પેટ્રોલિંગમાં હતો અને ત્યારબાદ ગત 5મી એપ્રિલે પોતાના ઘરે ગયો હતો તે સમયે સ્થાનિક માથાભારે અને ઘર પાસે જ રહેતો પ્રવિણ ઉર્ફે કાલીયો ભાઈદાસ સિરસાઠ તેના ઘરે આવ્યો હતો અને ઘર બહાર બોલાવી તેના ગળા પર ચપ્પુ મુકી ધમકી આપી હતી અને ઉધના કી કોઈ પુલીસ મેરી ગાડી ચેક નહી કરતી તેરે સાહેબને મેરી ગાડી કેસે ચેક કરી. ઉધના કે કોઈ ભી પુલીસવાલે મેરી ગાડી કો હાથ ભી નહી લગાતે. તુ ખબરીપના છોડ દે, મે તો 10 દીન સુરત રહેતા હુ ઓર 10 દીન ગાવ મે રહેતા હુ તેરા મર્ડર કરકે ચલા જાવુંગા તેમ કહી જતો રહ્યો હતો જો કે આરોપી માથાભારે હોય જેથી મહેમુદ સૈયદએ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ ફરી 14મી એ રાત્રે પીસીઆર વાનનો કોન્ટ્રાક્ટ ડ્રાઈવર ઘરે ઉંઘતો હતો ત્યારે બે ઈસમો તેના ઘરે આવ્યા હતા અને દરવાજે લાતો મારી તથા ચપ્પુ વડે હુમલો કરી ઘરમાંથી બહાર આવ તેમ કહ્યુ હતું અને મહેમુદ સૈયદ ઘર બહાર આવતા બે ઈસમોએ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તો મહેમુદ સૈયદની પત્નિ વચ્ચે પડતા તેને બચાવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા ઉધના પોલીસે ત્યાં દોડી જઈ તપાસ કરી બે આરોપીઓ અજય આનંદા ઠાકરે અને પવન સુખદેવ ખરાડેને ઝડપી પાડ્યા હતાં.
હાલ તો પોલીસ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવીંગ કરતા યુવાન પર બાતમી આપતો હોવાની શંકાએ હુમલો કરનાર સામે પોલીસે કડક પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.