સુરત : મોરાભાગળ વોર્ડ નંબર 9ની સોસાયટીઓમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત થતા જ સુરતમાં રાજકીય પક્ષોનો જાણે સોસાયટીઓમાં વિરોધ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મોરાભાગળ વોર્ડ નંબર 9ની સોસાયટીઓમાં પાંચ વર્ષમાં ન જોવા આવનાર નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ સાથે બેનરો મારી દેવાતા સામી ચુંટણીએ નેતાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થઈ છે. અને હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો પણ જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં પાંચ પાંચ વર્ષ કોર્પોરેટર રહ્યા હોવા છતા પ્રજાના પ્રશ્નોની દરકાર ન લેનાર નેતાઓ સામે પ્રજામાં રોષ ચોમેરથી જોવા મળી રહ્યો છે. જેમાં સોસાયટીઓમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લાગતા રાજકીય નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. હાલ આપણે સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 મોરાભાગળની વાત કરી રહ્યા છે. જેમાં દુર્ગાપુરી સોસાયટીમાં રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષોના નેતાઓએ વોટ માંગવા આવુ નહી તેવા બેનરો લગાવાયા છે. પાંચ વર્ષણાં સોસાયટીમાં રોડ કે રસ્તાના કામ થયા નથી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેવા પ્રશ્નો પણ બેનરો પર લગાડાયા છે.
કોરોનાની મહામારીને લઈ આમ જ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પાછળ ઠાલવાઈ છે અને મતદાનને પણ માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યાં રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ સોસાયટીઓનો વિરોધ શરૂ થતા ચુંટણી પ્રચાર સમયે ઉમેદવારો માટે પ્રચાર જાણે લોઢાના ચણા ચાવવા જેવુ હશે.