સુરત : રેમડેસિવિરના કાળા બજાર કરનારાઓના કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય

કોરોનાની મહામારીમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેકશન બનાવી લોકોના જીવ સાથે રમત રમનારાઓનો કેસ કોઈ પણ વકીલોએ ન લડવા અંગે સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા વકીલોને વિનંતી કરાઈ હતી.
સુરતમાં હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને કોરોનાના દર્દીઓ માટે અક્સીર એવા રેમડેસીવીર ઈન્જેકશનની જરૂરિયાત ઉભી થતા ઈન્જેકશનના કાળા બજાર કરનારાઓની સાથે ડુપ્લીકેટ ઈન્જેકશન બનાવવાના કૌભાંડો સામે આવ્યા છે. ત્યારે મહામારીમાં પણ માનવતાને નેવે મુકી માત્ર પોતાનો જ વ્યાપ વધારવાનું વિચારનારા સમાજના દુશ્મનો સામે વકીલોમાં પણ રોષ જોવા મળ્યો હતો. અને સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા વકીલ મિત્રો જોગ એક અપિલ કરી હતી અને જણાવ્યુ હતું કે જે કોઈ પણ વ્યક્તિ રેમડેસીવીર ઈન્જેકશનોનું કાળા બજાર કરે અથવા ડુપ્લીકેટ ઈન્જેકશન બનાવતા પકડાઈ અને તેની વિરૂદ્ધ ગુનો દાખલ થાય તો વકીલોએ આવા લોકોનો કેસ લડવો નહી.
હાલ તો મહામારીને અવસરમાં ફેરવી લોકોના જીવ સાથે રમત રમતા આવા લોકો સામે વકીલો સાથે શહેરીજનોમાં પણ રોષ જોવા મળ્યો છે.