સુરત : લાંબા દિવસો બાદ હવે કોરોનાથી મોતના આંકમાં ઘટાડો

સુરતમાં કોરોનાના કાળા કેર વચ્ચે હવે હાશકારો અનુભવાય તેમ લાગી રહ્યું છે. સુરતમાં લાંબા દિવસો બાદ હવે કોરોનાથી મોતના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સ્મશાનો ખાલી ખમ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં.
સુરતમાં કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 25 દિવસ બાદ રવિવારે શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટીને દસની નીચે પહોંચીને 9 નોંધાઈ છે. સુરતના તમામ સ્મશાનમાં પણ એકલ દોકલ મૃતદેહ જ અંતિમસંસ્કાર માટે લવાયા હતા. સુરતના અશ્વિનીકુમાર, ઉમરા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહો છેલ્લા લગભગ 25 દિવસથી 24 કલાક ચાલુ રહેતાં હતાં અને અંતિમસંસ્કાર માટે 18થી 24 કલાકનું વેઇટિંગ ચાલતું હતું તે હવે સુમસામ થઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે શહેરમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં પણ નવા દાખલ દર્દીઓની સંખ્યા 60 ટકા જેટલી ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં ઓપીડીમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલોમાં 10 દિવસ પછી બેડનું ભારણ પણ ઘણું ઓછુ થઈ જશે.