સુરત : વ્યાજના પૈસા કઢાવવા માટે યુવાનનું અપહરણ

વ્યાજના પૈસા કઢાવવા માટે યુવાનનું અપહરણ કરી જઈ માર મારી રૂપિયા ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપનાર અપહરણ કારોને પુણા પોલીસે ઝડપી પાડી અપહ્યત યુવાનને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણાપોલીસ મથકમાં ભાવેશ નાકરાણીએ પહોંચી ત્યાં પી.એસ.આઈ. પી.કે. રાઠોડને જણાવ્યુ હતુ કે તેના મિત્ર કેવીન શોરઠીયાને કેટલાક વ્યાજખોરો ઉંચકી ગયા છે અને પુણાગામ ભૈયાનગરમાં આવેલ અગાસી માતાના મંદિર પાસે જય અંબે કારવોશઈંગની ઓફિસમાં ગોંધી માર મારી રહ્યા છે અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. જે ફરિયાદને લઈ તાત્કાલિક પુણા પી.આઈ. વી.યુ. ગડરીયા, પી.એસ.આઈ. પી.કે. રાઠોડ સહિતનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને ત્યાંથી અપહ્યત કેવીન શોરઠીયાને મુક્ત કરાવી વ્યાજખોરો ઈન્દ્રજીત ઉર્ફે મોનુભાઈ મિશ્રા, પ્રદિપ ઉર્ફે રાજ પાંડે, સુનીલ રાઠોડ, લલિતસિંઘ રાજપુત અને સલીલ મિશ્રાને ઝડપી પાડી તેઓ પાસેથી એક એક્સ.યુ.વી. કાર, બજાજ પલ્સર અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.