સુરત : વરાછામાં જુની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર પાસેથી લૂંટ

વરાછામાં જુની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર સાથે ચાર લૂંટારૂઓ તેની પાસેથી ફોન અને રોકડની લૂંટ કરી રહ્યા હતાં તે જ સમયે પોલીસ પહોંચી જતાં બે લૂંટારૂઓ ઝડપાઇ ગયા હતા જ્યારે બે ભાગી છુટયા હતાં.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણમાં કેદારનાથ સોસાયટીમાં રહેતા મનિષ ડોડિયા મકાન બાંધકામનું કામ કરે છે. મંગળવારે બપોરે તેઓ મોપેડ પર જુની બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સામેથી બે લોકો સામે આવી જતાં મનિષભાઇ ઉભા રહી ગયા હતાં. ત્યારે બીજા બે લોકો મોપેડ પર તેમના તરફ ધસી આવ્યા હતાં. ચાર વ્યક્તિ પૈકી એક જણાએ દારૂ પીધો હોય એવો ઢોંગ કરીને મનિષભાઇ પર પડી ગયો. લૂંટના ઇરાદે આવેલા ચાર લૂંટારૂઓએ પરિસ્થિતિનો ફાયદો લઇને 1500 રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો. તે જ સમયે વરાછા પોલીસ સ્ટેશનના એલઆર ચંદ્રદીપસિંહ ત્યાંથી પેટ્રોલિંગમાં પસાર થયા હતાં. તેઓએ આ ઝપાઝપી જોતા લૂંટારૂઓને પકડવાનો પ્રયાસ કરતા બે જણા પકડાઈ ગયા હતા. જ્યારે બે લૂંટારૂઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. મનિષે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પકડાયેલાઓના નામ સઇદ ઉર્ફ ચુહા નઝીરખાન પઠાણ અને મોહમદ અબરાર ઉર્ફ અબુ ઇબ્રાહિમ શેખ છે. બંને આરોપીઓ એક મહિના પહેલા પાસામાંથી છૂટ્યા છે. આ પહેલા મારા-મારી- આર્મસ એક્ટના ગુનામાં પકડાઈ ચૂક્યા છે.