સુરત : શ્રીલંકાની કાળા મરી વેચાણથી અપાવવાના બહાને લાખો પડાવ્યા

લાલ દરવાજા ખાતે ડોક્ટર હાઉસમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા વેપારીને શ્રીલંકાની કાળા મરી વેચાણથી અપાવવાના બહાને રૂપિયા મેળવી લઈ મરી નહીં આપી દિલ્હીના ઠગે 39 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકે નોંધાવવા પામી છે.
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાટિયા દેના ટાવરમાં રહેતા શાકીર ઈકબાલ મોટનનાલા એક્સપોર્ટર અને ઇમ્પોર્ટરનો બિઝનેસ કરે છે અને તેમની ઓફિસ લાલ દરવાજા ખાતે ડોક્ટર હાઉસમાં છે. શાકીરભાઇ ધંધા માટે અવાર-નવાર દિલ્હી જતાં હોવાથી તેમની મુલાકાત આરોપી હિતેશ અવિનાશ ખન્ના સાથે થઈ હતી. હિતેશ પાસે પણ એક્સપોર્ટ- ઇમ્પોર્ટનું લાઈસન્સ હતું. તેથી બંને વચ્ચે ફોન નંબરની આપલે થઈ હતી. 2018માં શાકીરભાઇએ હિતેશ પાસે શ્રીલંકાથી 100 ટન કાળા મરી મંગાવ્યા હતા. જેના માટે તેમણે એડવાન્સમાં 1.58 કરોડ રૂપિયા ચેક અને આરટીજીએસથી આપ્યાં હતા. ત્યાર બાદ હિતેશે ટેકનિકલ પ્રોબ્લેમનું બહાનું આગળ ધરી તેમનો માલ અટવાઇ ગયાનું જણાવ્યું હતું . હિતેશે થોડા-થોડા કરીને 1.19 કરોડ પરત કરી દીધા હતા. બાકીના 39 લાખ પરત કર્યા ન હતા. શાકીરભાઇએ દિલ્હી ઈસ્ટના ખારી બાવલીમાં ઈશ્વર ભવનમાં રહેતા હિતેશ ખન્ના વિરૂદ્ધ મહિધરપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે.