સુરત : હોમગાર્ડની મહિલા કર્મચારી વીડિયોને લઈને ભારે ચર્ચામાં

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિકટોક બંધ થયા બાદ પણ અન્ય સોશિયલ મીડિયા પર ટૂંકા વીડિયો મૂકવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બોલીવૂડ ફિલ્મના ડાયલોગ પર શોર્ટ વીડિયો બનાવનારા મહિલા હોમગાર્ડ જવાન વિવાદમાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને મૂકનારા મહિલા જવાન સામે પ્રશ્નો ઉભા થતાં હોમગાર્ડ ઓફિસરે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે.
હોમગાર્ડ મહિલાએ શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા હતાં. જેથી હોમગાર્ડના જવાનોમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.
હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યા બાદ વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે. જવાબ લેવાશે અને પૂછપરછ કરાશે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે.