સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિની નિમણુંક રદ કરતી હાઇકોર્ટ

સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિની નિમણુંક રદ કરતી હાઇકોર્ટ

સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણૂકને હાઇકોર્ટે રદ કરી છે અને મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો છે.
તા.18. ઓગસ્ટના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સુરત દ્વારા રજીસ્ટ્રાર, સહકાર વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે સુમુલ ડેરીમાં બે પ્રતિનિધિ નીમવા જરૂરી છે અને પ્રતિનિધી તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતના નામની ભલામણ કરાય હતી. આ બાબતે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તા.21 ઓગસ્ટના રોજ કારણદર્શક નોટિસ સુમુલ ડેરીને ઇસ્યુ કરેલ। તેમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જવાબ આપે કે મંડળીના પેટા નિયમો અન્વયે તેઓને આ બાબતે અભિપ્રાય આપવાનો થતું નથી તથા ડેરીનું બોર્ડ હજી નિમાયું નથી.
કારણદર્શક નોટિસને લઇ ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનિલ ગામીત  દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ જે વાંધા અરજીને રજિસ્ટાર દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી અને રજિસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ તા.24 ઓગસ્ટના રોજ  હુકમ કરવામાં આવેલ જેમાં સરકારના પ્રતિનિધિ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતની નિમણૂક કરવામાં આવેલ હતી.
વાંધા અરજી નામંજુર થતા તેનાથી નારાજ થઈ ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનીલ ગામીતે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો હતો જેમાં સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કરી જણાવેલ કે તા.4 સપ્ટેમ્બરના રોજ થનારી ચૂંટણીમાં સરકારના બે પ્રતિનિધિના મત અલગ સ્થિતિમાં રાખવા અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવું નહીં ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની આખરી સુનાવણી કરેલી જેનો ચુકાદો આજે આપેલ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના 2014 ના પરિપત્રને રદબાતલ ઠરાવ્યું છે જે પરિપત્રમાં હારેલો ઉમેદવાર જે તે મંડળીમાં સરકારી પ્રતિનિધિ તરીકે  નિયુક્ત થઈ શકશે. પરિપત્ર રદબાતલ થતા હવે રાજ્ય સરકાર કોઈપણ હારેલા ઉમેદવારની નિમણૂક સરકારના પ્રતિનિધિ તરીકે કરી શકશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં એવું અવલોકન કરેલું છે કે રાજ્ય સરકારના પ્રતિનિધિઓની નિમણૂક કરતી વખતે ચૂંટાયેલા સભ્યોને અથવા બોર્ડને સાંભળવા અનિવાર્ય છે અને જો તે ન કરવામાં આવે તો પ્રિન્સિપાલ ઓફ નેચરલ જસ્ટિઝનો ભંગ થયેલ ગણાશે।
ગુજરાત હાઇકોર્ટએ ઠરાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલ બે પ્રતિનિધિએ મૂળભૂત રીતે બોર્ડના સભાસદ થવા માટે ગેરલાયક છે કેમકે તેવામાં આ એક એવા રાકેશ સોલંકી ચૂંટણીમાં હારી ગયેલ છે અને બીજા યોગેશ રાજપુતનું ચૂંટણી ફોર્મ  રદ થયેલ હતું જેથી સરકાર દ્વારા નિમણુંક કરેલ પ્રતિનિધિની નિમણૂક મૂળભૂત રીતે અથવા તો મેરીટમાં પણ ગેરકાયદેસર છે.
અરજદારના વકીલ અર્ચિત જાનીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે તારીખ તા. 4 સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર કરવાનો આદેશ આપેલ છે. આમ ઉપર મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા વિશેન દ્વારા આજે મહત્વના ચુકાદા દ્વારા રાજ્ય સરકાર દ્રારા કરાયેલ પ્રતિનિધિની નિમણૂક સુમુલ ડેરીમાં રદ કરી છે અને કાયદાના વિવિધ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલ છે.