સુરતમાં ફ્રૂટની લારી ચલાવતો આપનો ડમી ઉમેદવાર બન્યો મુખ્ય ઉમેદવાર

સુરતમાં ફ્રૂટની લારી ચલાવતો આપનો ડમી ઉમેદવાર બન્યો મુખ્ય ઉમેદવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિ-પાખીયો જંગ થયો છે. આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાને ઉતરી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી 120 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જો કે ઉમેદવારના ફોર્મમાં ભૂલ થતા રદ્દ થયા હતા જેને લઇ 114 જેટલા આપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ સમીકરણો વચ્ચે એક અલગ જ સંયોગ બન્યો છે. આપમાંથી ઉમેદવારી નોંધાવનાર મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ફ્રૂટની લારીવાળાનો પુત્ર મુખ્ય ઉમેદવાર બની ગયો છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગૌરીશંકર યાદવના પુત્ર ચંદનસિંહ યાદવ આમઆદમી પાર્ટીના વોર્ડ નં. 26 ના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચંદનસિંહ યાદવ ધોરણ 12 પાસ છે અને ટેક્સટાઇલમાં 8 હજાર પગારની નોકરી કરે છે. તે મૂળ ઉત્તરપ્રદેશ જૌનપુરથી છે પરંતુ વર્ષોથી પરિવાર સુરતમાં વસવાટ કરે છે.
સત્તામાં પરિવર્તન લાવવા માટે ગરીબ પરિવારના ચંદનસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓ સામાન્ય કાર્યકર તરીકે જ હતા પરંતુ નસીબે તેમને ચમકવાણી તક આપી છે. વોર્ડ નં.26 માંથી સંજીવસિંહ યાદવ ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેમનું ફોર્મ ટેક્નિકલ ખામીને કારણે રદ થયું હતું જેથી ડમી તરીકે ફોર્મ ભરનાર ચંદનસિંહ મુખ્ય ઉમેદવાર બની ગયા. જે બાદ ચંદનસિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું આ જ ઉત્કૃષ્ઠ છે કે તેમને નાના પરિવારમાંથી આવતા યુવકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મારા પિતા પણ મને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે જેથી હું મક્કમ પણે કહી શકું છું કે હું જરૂર જીત મેળવીશ.
નાના પરિવારમાંથી આવતા ચંદનસિંહ હાલ લોકો પાસે મત માંગી રહ્યા છે અને દિલ્હી સરકારના કામોને આગળ ધરીને એક મોકો આપને આપવાની તક માંગી રહ્યા છે.