સરકારની નાણાકીય ખાદ્ય વધી - કંપનીઓ પાસે માંગ્યું ડિવિડંડ

સરકારની નાણાકીય ખાદ્ય વધી - કંપનીઓ પાસે માંગ્યું ડિવિડંડ

દેશની સૌથી મોટી આવક ટેક્ષ અને અન્ય આવકોમાં જંગી ઘટાડાના કારણે તેમ જ વધી રહેલી નાણાકીય ખાધ ઉપર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે પોતાની માલિકીની કંપનીઓ અને જાહેર સાહસોને ત્રિમાસિક ધોરણે ડિવિડન્ડ આપવા માટે રજુઆત કરી છે. માત્ર એટલું જ નહીં કેન્દ્ર સરકારે સાહસોને સુચના આપી છે કે માત્ર લઘુતમ જ નહીં પણ શકય હોય એટલું વધારે ડિવિડન્ડ ચુકવવું જોઇએ.
સતત 3 વર્ષથી બજેટમાં અંદાજિત ફિસ્કલ ડેફિસિટ કરતા વાસ્તવિક ખાધનો આંકડો વધતો જાય છે. દર વર્ષે ટેક્ષની આવક આક્રમક રીતે વધશે તેમજ  કેન્દ્ર સરકાર સરકારી સાહસોમાં હિસ્સો વેચી ડિસઈન્વેસમેન્ટ દ્રારા જંગી આવક કરશે એવા અનુમાન બાદ આ વર્ષે કેન્દ્ર સરકારની હાલત કફોડી થઇ રહી છે. કોરોના મહામારી સાથે પ્રજાને રક્ષિત કરવા માટે લગભગ અઢી મહિના લાંબા લોકડાઉનના કારણે અર્થતંત્ર ઇતિહાસમાં પ્રથમ વખત રિસેશનમાં આવી ગયું છે. જે કારણોસર કેન્દ્ર સરકારની ટેક્ષની આવકમાં જંગી ઘટાડો થયો છે અને અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે ખર્ચ પણ વધ્યો છે એટલે બજેટની અંદાજિત ખાદ્ય 3.4 ટકા કરતા વધીને જીડીપીના 9.4 ટકા રહે એવી શકયતા છે જેથી કેન્દ્ર સરકારે પોતાની માલિકીની કંપનીઓના વધારે ડિવિડન્ડ અને નિયમિત ડિવિડન્ડની રજુઆત કરી છે. સેન્ટ્રલ પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઇસ અને ખાસ કરીને એવી કંપનીઓ કે જે 100 ટકા કે શેરદીઠ 10નું ડિવિડન્ડ ચુકવે છે તેમને વધારે વચગાળાના ડિવિડન્ડ માટે વિચારણા કરવી જોઇએ તેવી સરકારે રજૂઆત કરતા કહ્યું છે કે દરેક ત્રિમાસિક પરિણામની સાથે ડિવિડન્ડ ચુકવવા અંગે વિચાર કરવો જોઇએ. બાકીના સીપીએસઇ દ્વારા અર્ધવાર્ષિક રીતે ડિવિડન્ડ ચુકવવું જોઇએ એમ કેન્દ્ર સરકારે જાહેર સાહસોને સલાહ આપી છે. આ રીતે ડીવીડન્ડ ચુકવવાથી કેન્દ્ર સરકારની આવક અંગે બજેટના અંદાજો કરતા કેન્દ્ર સરકારને વધારે સુદઢ રીતે આકલન કરવુ શકય બનશે એવું કેન્દ્ર સરકાર માને છે. કેન્દ્ર સરકારના મોટાભાગના જાહેર સાહસોએ વાર્ષિક અંદાજ સામે ઓછામાં ઓછું 90 ટકા ડિવિડન્ડ ચુકવવું જ જોઇએ. મોટાભાગના જાહેર સાહસો કેન્દ્ર સરકારને ફેબ્રુઆરી કે માર્ચમાં વચગાળાનું ડિવિડન્ડ ચુકવે છે. કેન્દ્ર સરકારની નવી સુચના અનુસાર દરેક સાહસોએ પોતાના નફાના પાંચ ટકા એટલે કે ઓછામાં ઓછું 30 ટકા જેટલું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને ચુકવવું જોઇએ તેવી સલાહ સરકારે કંપનીઓને આપી છે.