Surat : એક્વેરિયમ અને ગોપીતળાવ સાથે નેચરપાર્ક શરૂ કરાશે

કોરોનાની મહામારીને લઈ મહિનાઓથી બંધ રહેલા ગાર્ડનો, થિયેટરો સહિતનાઓ શરૂ થતા હવે આગામી પહેલી નવેમ્બરથી એક્વેરિયમ અને ગોપીતળાવ સાથે નેચરપાર્ક પણ શરૂ કરાશે. તો એસ.ઓ.પી.નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
છ મહિનાથી કોરોનાના કહેરમાં લોકો સબડી રહ્યાં છે. અનલોક બાદથી જનજીવન પાટા પર ચઢી રહ્યું છે. શહેરના ગાર્ડન, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ પણ ખુલી ગયાં છે. ત્યારે હવે લોકોને હરવા-ફરવા, મનોરંજન માટેના બંધ પ્રકલ્પો પણ શરૂ કરવા અંગે મહાપાલિકાએ તજવીજ હાથ ધરી દીધી છે. સરથાણા નેચર પાર્ક, પાલ એક્વેરિયમ અને ગોપીતળાવ વગેરે લોકોના મનગમતા ફરવાલાયક સ્થળો પણ હવે આગામી 1લી નવેમ્બરથી શરૂ કરાનાર છે. તો આ અંગે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ અન્ડર કંન્ટ્રોલમાં છે. મોલ્સ સહિતના માર્કેટોને છૂટ આપવામાં આવી છે. હવે નેચરપાર્ક માટે પણ એસઓપી બનાવવામાં આવી રહી છે તેનું લોકોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. સાથે એક્વેરિયમ, ગોપીતળાવ પણ શરૂ કરવા તજવીજ ચાલી રહી છે. ગાર્ડનો ખોલવામાં આવ્યા પરંતુ મેન્ટેનન્સમાં ઘણાં ગાર્ડનોમાં ક્ષતિમળી હતી. પરંતુ પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, ગોપીતળાવમાં મેન્ટેનન્સ કરાયા બાદ ખુલ્લા મુકાશે. જોકે, ત્યાં પણ દૈનિક સાફ-સફાઇ સહિતની કામગીરી ચાલુ જ હોઇ મેન્ટેનન્સમાં વધુ કઈ કરવાનું નથી. આ સાથેના તમામ ફરવાલાયક સ્થળોને મેન્ટેનન્સ કરાયા બાદ ખુલ્લા મુકાશે તેમ તંત્ર જણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 7 માસ બાદ એક્વેરિયમ, ગોપીતળાવ નેચરપાર્ક 1 નવેમ્બરથી શરૂ થશે.