પુત્ર પ્રેમ - મોહનથાળનો ડબ્બો

પુત્ર પ્રેમ - મોહનથાળનો ડબ્બો

નિત રોજની જેમ સાંજે 6:00 વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા 6:30 વાગ્યાની ભાયંદર ફાસ્ટ ટ્રેન પકડી ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં પરમ મિત્રનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે જેથી હું ત્યાં તેની રાહ જોતો બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો જ્યાં એક 70-75 વર્ષના વૃદ્ધ જાડા કાચના ચશ્મા પહેરેલ અને મેલાં-ઘેલા કપડાં પહેરેલ બેઠા હતાં જે મને જોઈને મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા - સાહેબ બહુ ભુખ લાગી છે 1 વડાપાવ ખવડાવશો ?


મેં તેમને જોયા તો મને તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેમેજ તેને ભિક્ષા માંગવાની આદત પણ ન હોય તેમ લાગતું હતું. પરંતુ અચાનક મારા પગ પકડવાથી હું હડબડીને નીચે ઉતરી ગયો.
વૃદ્ધને જોઈ મને સંકોચ થયો અને મેં કહ્યું: કાકા ભુખ લાગી છે ?
કાકા હે હા પાડતા મેં ખીસામાંથી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ મને પાછી આપતા કહયુ નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો.
કાકાની આજીજી સાંભળીને હું જઈને બે વડાપાઉં લઇ આવ્યો.
કાકા ત્યાં નીચે બેસીને વડાપાંવ ખાવા લાગ્યા.
મેં પૂછ્યું કાકા ક્યાંથી આવો છો ? અને કયાં જાવું છે ?
કોઇને શોધવા નીકળ્યા છો કે શું ?
કાકાએ જવાબ આપ્યો: હું પુના પાસેના એક ગામથી આવું છું. મારે તારા જેવડો પુત્ર છે જે મુંબઈની કોઇ મોટી કંપનીમાં એન્જીનીયર છે. જેણે 2 વર્ષ પહેલાં મુંબઈમાં લવ મેરેજ કરેલાં જે બાદ તેની ભણેલી પત્નીને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નહતું એટલે મારો છોકરો અહીં છેલ્લા 2 વર્ષથી તેની પત્ની સાથે અમારાથી અલગ રહે છે. પરમ દિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે મને અમેરિકામાં નોકરી મળી છે અને જેથી હું પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકા જાવ છું. એટલે મેં દીકરાને કહ્યું મુંબઈથી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા, તો કહે, જલ્દી જવું છે એટલે સમય નથી.
મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર ?
એટલે હું જ મળી આવું.
પાડોશી પાસેથી ઉછીના પૈસા લઈને ટિકિટની વ્યવસ્થા કરી અને અહીં પહોંચ્યો છું. હવે મારી પાસે પૈસા નથી.
બે દિવસથી મુંબઈમાં ફરુ છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી, એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્રએ તો મને આજ સરનામું લખાવ્યું હતું... કહી ખીસ્સામાંથી એક ચબરખી કાઢતા બોલ્યા,
આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે 2 દિવસથી મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો.
મેં પૂછ્યું: તમે કેમ ફોન કરીને પૂછી નથી લેતાં ?
તો કહે, મને ફોન કરતા નથી આવડતું.
મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બે દિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો.
મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તે જ આવ્યું.
છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું તો તેમાં આંતર રાષ્ટ્રીય હવાઈ મથક - ફાઉન્ટન, ફોર્ટ, મુંબઈ લખ્યું હતું.
મને સમજાઇ ગયું કે માં-બાપને ટાળવા માટે તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો.
મને સમજાઇ ગયું કે જે દિશામાં વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. અથવા તનો પુત્ર અહીં મુંબઈમાં જ રહે છે પણ પિતાને મળવા કે સાચવવા નથી માંગતો.
પુત્ર તરફથી થઈ રહેલી ઊપેક્ષા કાકાને સમજાતી નહોતી અથવા તો સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું.
મેં કહ્યું, કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા ગામડે તમારા ઘરે જાવ...કાકી તમારી રાહ જોતાં હશે.
તેમના હાથમાં રહેલી થેલી ઉપર તેણે હાથ ફેરવ્યો જે મેં જોયું,
મને ડબ્બા જેવું લાગ્યું તો મેં પૂછ્યું, કાકા આમાં શું છે ?
તેઓ બોલ્યા આતો મારા દિકરાને મોહનથાળ બહુ ભાવે એટલે તેની માં એ બનાવીને મોકલ્યો હતો.....
જે સાંભળીને મારા દિલમાં એકદમ ધ્રાસકો પડ્યો. મને પારાવાર વેદના થઈ.
મને થયું કે નાલાયક દિકરાની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા. હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો....
મેં કહ્યું: કાકા હવે પુના જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું.
રડતી આંખે તેઓ ત્યાંથી વિદાય થયાં અને ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો. થોડે આગળ ગયા પછી મને સમજાયું કે તેઓની પાસે તો પુના જવા બસ કે ટ્રેનના ભાડા માટે પણ પૈસા નથી. હું ઝડપથી પાછો ગયો અને કાકાને મનાવીને મારા ઘરે લઈ આવ્યો,
કાકાને કહ્યું કે એક દિવસ રોકાઇને આવતી કાલે તમે પુના જજો. ટિકિટની વ્યવસ્થા હું કરી આપીશ.
તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘના આવી. બાજુના રૂમમાં કાકાની પણ આ જ હાલત હતી...
રાતે મને એક જ વિચાર આવતો હતો કે ભુખના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં વૃધ્ધ શું પુત્ર માટે લાવેલા ડબ્બામાંથી એક મોહનથાળનુ બટકું નહતા ખાઈ શકતા ?
પણ એ મોહનથાળ તો માતાએ દિકરા માટે બનાવ્યો હતો જેને......બાપ થોડો ખાઈ શકે ?
આટલો બધો પુત્ર પ્રેમ....
બીજા દિવસે હું તેને પુનાની ટ્રેનમાં મુકી ઘરે આવ્યો તો પત્નીએ કહ્યું કે કાકા મોહનથાળનો ડબ્બો ભુલી ગયા છે....
મેં કહ્યું એ ભુલી નથી ગયા પણ આપણા બન્ને માટે ઈરાદાપૂર્વક રાખીને ગયા છે....



- અમર કથામાંથી