"મન કી બાત" માં ખેડૂતોને મનાવવા શું કહ્યું પીએમ મોદીએ વાંચો

કેન્દ્ર સરકારે પાસ કરેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનકારી ખેડૂતોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા આપવામાં આવેલા વિના શર્ત વાટાઘાટો કરવાના કેન્દ્રના પ્રસ્તાવને નકારી દીધો છે. કેન્દ્રીયમંત્રી અમિત શાહે ખેડૂતો પહેલા શાંતિપૂર્ણ રીતે બુરાડીના નિરંકારી મેદાન તરફ સ્થળાંતર કરશે તો જ સરકાર બીજા દિવસે તેમની સાથે વાત કરશે. તેવો પ્રસ્તાવ મુક્યો હતો જેનો ખેડૂતો વિરોધ કર્યો છે અને ખેડુતોએ ગઈકાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ અહીંથી ક્યાંય નહીં જાય. આજે ફરી એકવાર સિંઘુ બોર્ડર પર જ ખેડુતોની બેઠક શરૂ થઈ છે જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ છે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા ફરી એકવાર ખેડૂતોનું માનસ બદલવાનો પ્રયાસ કરતા કહ્યું છે કે કૃષિ સુધારણા બિલથી ખેડૂતો માટે નવી શક્યતાઓ ખૂલી છે અને નવા અધિકારો અને તકો પણ પ્રાપ્ત થઈ છે. આ અધિકારોએ ખૂબ ઓછા સમયમાં ખેડૂતોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ વિચાર વિમર્શ બાદ જ ભારતની સંસદે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું છે.
પીએમ મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશને સંબોધન કરતાં કહ્યું છે કે ભારતમાં કૃષિ અને સાથે જોડાયેલી ચીજોમાં નવા આયામો ઉમેરવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં થયેલા કૃષિ સુધારણાએ ખેડૂતો માટે નવી શક્યતાઓના દ્વાર ખોલ્યા છે. વડાપ્રધાને વિપક્ષને લઇને કહ્યું કે વર્ષોથી દરેક ખેડૂતોની માંગ હતી જે માંગોને પુરી કરવા કોઈને કોઈ રાજકીય પાર્ટીઓએ વચન આપ્યા હતા પરંતુ આજે તે માંગો પુરી થઈ છે. ખૂબ જ વિચાર વિમર્શ પછી ભારતની સંસદે કૃષિ સુધારાને કાયદાકીય આકાર આપ્યો છે. આ સુધારાથી ખેડૂતોના અનેક બંધનો સમાપ્ત થયા છે અને તેમને નવા અધિકાર પણ મળ્યા છે સાથે નવી તકો પણ મળી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે કાયદામાં બીજી મોટી બાબત એ છે કે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે વિસ્તારના એસડીએમએ ખેડૂતની ફરિયાદને એક મહિનામાં જ સમાધાનમાં લેવી પડશે। પેઈમ મોદીએ મહારાષ્ટ્રના ખેડૂત જીતેન્દ્ર ભોઇજીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે નવા કાયદાનો લાભ લઈ તેમના બાકી લેણાં વસૂલ્યા છે.
પીએમ મોદીએ વધુ એક ખેડૂત મોહમ્મદ અસલમનું ઉદાહરણ આપતા કહ્યું કે મોહમ્મદ અસલમ ખેડૂતોમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે. રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા અસલમ એક ખેડૂત ઉત્પાદક સંઘના CEO પણ છે. આશા છે કે મોટી મોટી કંપનીઓના સીઈઓને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના છેવાડાના ગામડાઓમાં પણ ખેડૂત સંગઠનના CEO છે.
વડાપ્રધાન મોદીએ કૃષિ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ગામડાઓના ખેડુતોને કૃષિ સુધારાઓ અને આધુનિક કૃષિ વિશે જાગૃત કરી દેશમાં થઈ રહેલા પરિવર્તનના ભાગીદાર બને.
મોદી સરકારના કૃષિ સુધારણા કાયદાને વિપક્ષી દળો કાળા કાયદા તરીકે વર્ણવી રહ્યા છે