રિટર્ન ફાઈલ નહિ કરનારના GST રદ્દ થશે

રિટર્ન ફાઈલ નહિ કરનારના GST રદ્દ થશે

GST રિટર્ન ફાઈલ ન કરનાર 5.43 લાખ કંપનીના જીએસટી રજિસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે. આવા GST ધારકો સામે નાણાં મંત્રાલયનો રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કડક પગલાં લેવાના મૂડમાં છે. મળતી માહિતી મુજબ જીએસટી રિટર્ન ફાઈલ ન કરનાર ડિફોલ્ટર્સને મેસેજ અને ઈ-મેઈલ્સ મોકલવામાં આવશે. રેવન્યુ ડિપાર્ટમેન્ટને GSTN થી પ્રતિ દિન 1 લાખ ટેક્સ મેસેજ અને ઈ-મેઈલ્સ મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો છે તદઉપરાંત મૉનિટર કરવા પણ જણાવાયું છે. 5,43,000 જેટલી કંપની દ્વારા છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી GST રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી. ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પાછળના કારણો જાણવા માટે 25,000 જેટલા ટેક્સ પેયર્સ પર સરકાર નજર રાખી રહી છે. ઓક્ટોબરમાં લેવડ દેવડ ઉપર રિટર્ન ફાઈલ કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તા.20 નવેમ્બરે શરૂ થયેલી ડેડલાઈન હવે પૂર્ણ થઈ છે. છેલ્લા માસના રિટર્ન આંકડાઓના આધારે નવેમ્બર મહિના માટે આવા ડિફોલ્ટર્સને નક્કી કરવામાં આવ્યાં છે જેને લઇ રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ હાઈ લેવલની સમીક્ષા બેઠક કરી હતી અને બાદમાં નક્કી કર્યું છે કે વર્ષ 2020ની તા.20 નવેમ્બર સુધી GSTR-3B રિટર્ન દાખલ ન કર્યું હોય તેવા ટેક્સ પેયર્સ સાથે GST નેટવર્ક, ટેક્સ અધિકારીઓ સંપર્ક કરશે. આવા ટેક્સ પેયર્સ તા.30 નવેમ્બર સુધી GST રિટર્ન દાખલ કરે તે માટે પ્રેરિત કરવા અધિકારીઓને જણાવાયું છે.