સુરત : આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે નીકળ્યા

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે સુરત મહાનગરપાલિકામાં પ્રજાનો અવાજ ઉઠાવશે. જેની શરૂઆત આજે સવારે કાપોદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી અને તેની સાથેના અધિકારીને રીતસરના ખખડાવી દીધા હતાં.
આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર આજે સવારે તેમના મત વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તાઓ પર કચરાના ઢગ દેખાતા તેમણે ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી હતી. તેમની સાથે જે અધિકારી હતા તેની સાથે વાત કરીને ઉપરી અધિકારીને ફોન કર્યો હતો. ફોન ઉપર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમારા વિસ્તારમાં નિયમિત તમે કચરો ઉપાડવા માટે તમારી ગાડી સમયસર આવી જોઈએ, જો નહીં આવે તો હું તમારી સામે ફરિયાદ કરીશ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારે દુકાન ધારકો સાથે વાત કરી ત્યારે તેમણે મોટા ખુલાસા કર્યા કે ગાર્બેજ કલેકશન કરવા આવતી કચરાની ગાડીઓ અમારી પાસેથી દર મહિને રૂપિયા 500 રૂપિયા રોકડા લઈ લે છે. જો તમે પૈસા ન આપે તો તેઓ અમારી દુકાનનો કચરો લઈ જતા નથી. જ્યારે અમે તેમને કહીએ છીએ કે અમારી પાસેથી શા માટે 500 રૂપિયા લો છો? ત્યારે ગાર્બેજ કલેકશન કરવા આવેલી ગાડી સાથેના અધિકારી કહે છે કે અમે ફક્ત ડોર-ટુ-ડોર સોસાયટીઓના કચરા જ લઈ જઈએ છીએ. દુકાનનો કચરો લઈ જવો અમારી ફરજનો ભાગ નથી. આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ તમામ દુકાનદાર લોકોને કહ્યું કે, આજથી કોર્પોરેશનના કોઇપણ અધિકારીને એક પણ રૂપિયો આપવાનો નથી અને જો તેઓ તમારી પાસે રૂપિયાની માંગણી કરે તો તમારે સ્પષ્ટ વાત કરવાની કે અમારા વિસ્તારના કોર્પોરેટરોએ તમને રૂપિયા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે ધીરે ધીરે લોકોની વચ્ચે જવાનું શરૂ કર્યું છે અને તેમને પડતી અસુવિધાનો ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે તેમણે કામગીરી શરૂ કરી દીધી છે. જેને લઇને તેમના મત વિસ્તારમાં લોકોને થોડી રાહત થઇ છે અને તેમને અત્યાર સુધી જે રીતે અધિકારીઓ પરેશાન કરતા હતા તે હવે નહીં કરે એ પ્રકારની આશા દેખાઈ રહી છે.