સુરત : બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરી મામલે નવો વળાંક આવ્યો

સુરતના ન્યુ સિટીલાઈટ રોડ પર બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરી મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં બિલ્ડરની ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા કર્મચારીની ત્યાંથી જ ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો સાથે ફોરેન્સિક પી.એમ.ની માંગ કરાઈ હતી. અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનુ જણાવ્યુ હતું.
ન્યુ સિટીલાઈટ રોડ પર આવેલ થોર્મસ સ્કુલની બાજુમાં ઓફિસ ધરાવતા બિલ્ડર ગોપાલ ડોકાણી ની ઓફિસમાંથી રવિવારે રાત્રે માત્ર 30 મીનિટમાં જ રૂપિયા 90 લાખ રોકડની ચોરી થઈ હતી. જેમાં તસ્કરો મોઢા પર માસ્ક પહેરી ચોરી કરવા માટે આવ્યા હોય સીસીટીવીમાં કેદ થયા હતાં. અને આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સાથે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે હાલ આ લાખોની ચોરી મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં ચોરી થઈ હતી તે બિલ્ડરની ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા યુવાનની ત્યાંથી જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો હતો. અને મૃતકના ભાઈએ આક્ષેપ કરતા કહ્યુ હતું કે તેના ભાઈને બિલ્ડર અથવા પોલીસે માર મારી તેને લટકાવી દીધો હોઈ શકે છે જેથી ફોરેન્સિક પી.એમ.ની માંગ કરી જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
હાલ તો જ્યાંથી 90 લાખની ચોરી થઈ ત્યાંથી જ ફર્નિચરનું કામ કરતા કારીગરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોય જેને લઈ બિલ્ડર કે પોલીસ દ્વારા પુછપરછમાં તેને માર મારી લટકાવી દીધો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે તો આ મામલે તટસ્થ તપાસની માંગ ઉઠી છે.