સુરતના મહુવામાં કરોડોના ખર્ચે બનાવાયેલા ચેકડેમોમાં પોલાણ - પાણીનો સંગ્રહ ન થતાં ખેડૂતો ચિંતિત

સુરતના મહુવામાં કરોડોના ખર્ચે બનાવાયેલા ચેકડેમોમાં પોલાણ - પાણીનો સંગ્રહ ન થતાં ખેડૂતો ચિંતિત

ચોમાસામાં પણ ઉનાળા જેવી હાલત હાલ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જોવા મળી રહી છે. લાખોના ખર્ચે બનેલ ચેકડેમોની હાલત એટલી હદે ખરાબ થઇ ગઈ છે કે તેમાં પાણીનો સંગ્રહ થવો અશક્ય છે છતાં ધુતરાષ્ટ્ની ભૂમિકામાં બેઠેલા તંત્રને મરમતના અભાવે ભંગાણ થયેલા ચેકડેમોને રીપેર કરવાની ફુરસત મળતી નથી. ચોમાસાના સમયે પાણી સંગ્રહ કરવા માટે લાખોના ખર્ચે જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના ચેકડેમો નીચેથી પોલા થઇ જતા ચોમાસાનું પાણી વેડફાય રહ્યું છે જેને કારણે પાણીનો સંગ્રહ ન થવાથી હાલ ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે ખેતી માટે ચોમાસા બાદ પણ પાણીની મોટી સમસ્યા ઉભી થશે તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્રારા આદિવાસી વિસ્તારમાં લોકોની સુખાકારી માટે પાણીની સમસ્યાના નિવારવા મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ, અંબિકા અને પૂર્ણા નદી ઉપર સરકાર દ્વારા લાખોના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પાણીના સંગ્રહ માટે ચેકડેમો તો બનાવાયા પરંતુ આજે ચેકડેમની હાલત એવી છે કે પાણીનું ટીપું સંગ્રહ થઈ શકે તેવી હાલત નથી, હાલ સુરત જિલ્લામાં વરસાદનું આગમન થયું છે અને વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે પાણીનો સંગ્રહ આવા ચેકડેમો થવો અશક્ય છે. ત્યારે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અને રજૂઆત કર્યાને વર્ષ વીતી જવા છતાં સ્થાનિક વહીવટી તંત્રને ચેકડેમોના ભંગાણનું સમારકામ કરાવવાનો સમય મળ્યો નથી.
મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો આવેલા છે. જે ચેકડેમો વલવાડા, પુના, વસરાઈ, ભગવાનપુરા, શામબા, ભોરિયા અને વેલનપુરના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.
અંબિકા નદી પર આ જ રીતે બનેલ ચેકડેમો દ્રારા વહેવલ, મહુવારીયા, હળડવા અને ઉમરા ગામના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ 80 ટકા જેટલા ચેકડેમો માત્ર નામ પૂરતા જ છે જે તમામ ચેકડેમોમાં નીચેથી ભંગાણ થતા પાણીનો સંગ્રહ થતો નથી અને હાલ ચાલુ ચોમાસે ઉનાળા જેવી સ્થિતિ નદીઓમાં જોવા મળી છે. જે બાબતે વારંવાર ખેડૂતોએ સ્થાનિક તંત્રને રજૂઆતો કરી હતી અને ચોમાસુ આવી જવા છતાં કોઈ નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવ્યું નથી.
સ્થાનિક ખેડૂતના જણાવ્યું અનુસાર અમે ખેડૂતો આ ચેકડેમને કારણે પાણીનો ઉપયોગ કરી શક્યે છે. હાલ સ્થિતિ એવી છે કે ચેકડેમમાં પાણી રોકી શકાતું નથી.પહેલી નજરે જોતા એવું લાગે કે ખૂબ જ મજબૂત ચેકડેમ બનાવ્યો છે પરંતુ આ ચેકડેમની અંદરના પોલાણમાં અને બંને છેડાની અંદર જર્જરિત સ્થિતિ થઈ છે તેના કારણે પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. ચેકડેમોની જર્જરિત હાલતને લઇ વારંવાર સંબંધિત અધિકારીઓ અને નેતાઓને જાણ કરવા છતાં અમારા પ્રશ્નોના નિકાલ નથી આવ્યો.
ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ચોમાસામાં આ પ્રકારની હાલત છે તો બાદમાં કયા પ્રકારે પાણીનો સંગ્રહ થતો હશે તે સમજી શકાય છે. સરકારી વિભાગોના ખાતામાં પ્રજાના પૈસે ખર્ચાયેલા ચેકડેમોની લાંબી યાદી છે પરંતુ ચેકડેમો ખેડૂતોના ઉપયોગમાં આવે તેવી સ્થિતિમાં નથી જેના કારણે પાણીનો સંગ્રહ ન થતો હોઈ ખેડૂતોની હાલત ચિંતાજનક થશે.