ગુજરાતના લોકપ્રિય નેતા અને KHAM થીયરીના પ્રણેતા માધવસિંહ સોલંકીનું નિધન = એક દિવસીય રાજકિય શોક જાહેર કર્યો

ગુજરાતના લોકપ્રિય નેતા અને KHAM થીયરીના પ્રણેતા માધવસિંહ સોલંકીનું નિધન = એક દિવસીય રાજકિય શોક જાહેર કર્યો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતમાં 1980ના દાયકામાં KHAM થિયરીના પ્રણેતા હતા. માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. ગુજરાતમાં 182 બેઠકમાંથી સૌથી વધુ 149 વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7 મા મુખ્યમંત્રી હતા. આજે તેમના નિધનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના અનેક રાજકીય નેતાઓ સહીત ગુજરાતના મુખ્યમંત્રી - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલી પાઠવતા રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક પાળવાની જાહેરાત કરતા સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કર્યો છે. તો સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના લુણાવાડાનો કાર્યક્રમો રદ કર્યા છે. તો આજે બપોરે 12 કલાકે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની કેબિનેટ બેઠક મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પીત કરતા લખ્યું હતું કે તેઓએ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સમાજમાં મહત્વનું યોગદાન આપવા માટે તેમને યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ તેમના નિધનને લઇ દુઃખ વ્યક્ત કરતા આ દુઃખદ અવસરે માધવ સિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે ફોન પર વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
પ્રથમવાર 1957 માં મુંબઇના ધારાસભ્ય બન્યા હતા માધવસિંહ સોલંકી ત્યારબાદ ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા બાદ માધવસિંહ સોલંકી તા.24 ડિસેમ્બર, 1976 થી તા.10 એપ્રિલ,1977 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.
બીજીવાર તા.7 જૂન, 1980 થી તા.10 માર્ચ, 1985 સુધી ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી.1985માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું
ત્રીજીવાર તા.10 ડિસેમ્બર, 1989 થી તા.4 માર્ચ, 1990 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા
માધવસિંહ સોલંકી  ખામ થિયરી માટે જાણીતા થયા જતા અને તેમણે સામાજિક અને આર્થિકરૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી. ખામ થિયેરીના આધારે તેમણે વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી. આજ દિન સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. આમ માધવસિંહ સોલંકીએ 4 વખત ગુજરાતની કમાન સંભાળી હતી. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુજરાતમાં ઐતિહાસિક સૌથી વધુ 40.18 ટકા વિકાસદર તેઓના શાસનમાં રહ્યો હતો. માધવસિંહ સોલંકીએ ખેત મજુરોના દૈનિક વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતનનો આરંભ કર્યો હતો તો ગુજરાતમાં મફ્ત કન્યા કેળવણી પણ તેમના જ સમયમાં શરૂ થઈ હતી અને દેશભરમાં મધ્યાહ્ન ભોજન પણ માધવસિંહની દેન છે.
માધવસિંહ સોલંકીએ પત્રકાર તરીકે નોકરી પણ કરી હતી.