Surat : રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા કલેકટરાલયે પહોંચી આવેદન પત્ર અપાયું

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા પાસ કરાયા છે ત્યારે તેના વિરોધમાં રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા દેશભરમાં 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ધરણા આંદોલનની જાહેરાત કરાઈ હોય જેને લઈ સુરતમાં રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા કલેકટરાલયે પહોંચી આવેદન પત્ર આપી ધરણા કરાય તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
કોરોનાની મહામારી અને લોકડાઉન સમયે જ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બીલ પાસ કરવામાં આવ્યા છે. જેનો સમગ્ર દેશમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ 47 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કિસાન મોર્ચા દ્વારા 11 થી 17 જાન્યુઆરી દરમ્યાન સમગ્ર દેશમાં આંદોલન કરી સ્થાનિક પ્રસાસનને આવેદન પત્ર આપવાની જાહેરાત કરાઈ હોય જેના પગલે સુરતમાં રાષ્ટ્રીય કિસાન મોર્ચા ના કાર્યકરો કલેકટરાલયે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે તેઓની અટકાયત કરી હતી.
હાલ તો ખેડૂતો માટેના કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા બિલ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુક્યો છે ત્યારે આવનાર દિવસોમાં ખેડૂતો આ અંગે શુ કહે છે તે જોવુ રહ્યું...