જામનગર : ભારે વરસાદથી અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ

જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી.જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા બાકીના 53 ગામોમાં આજ સાંજ સુધીમાં 100% વીજ પુરવઠો કાર્યરત થશે. મૃત પશુ નિકાલ, કાદવ કિચળની સફાઈ કરી આરોગ્યલક્ષી પગલાં માટે બીજા જિલ્લામાંથી પણ જરૂર જણાયે વધારાની ટીમ બોલાવી લેવા મુખ્યમંત્રીશ્રીની સ્થાનિક તંત્રને સૂચના
જામનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી નુકસાની અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે.હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવા માર્ગદર્શીત કરતા મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે.46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે.સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચુક્યો છે.જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે.મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રીની સાથે શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશી ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.