બે લગામ ભાજપના MLA મધુ શ્રીવાસ્તવના નિવેદન મુદ્દે પ્રદેશ ભાજપની નેતાગીરી મૌન કેમ ?

બે લગામ ભાજપના MLA મધુ શ્રીવાસ્તવના નિવેદન મુદ્દે પ્રદેશ ભાજપની નેતાગીરી મૌન કેમ ?

વડોદરા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદીત નિવેદનો અને ધમધમકી આપવા માટે જાણીતા છે ત્યારે હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તેમણે તેમના પુત્ર માટે ભાજપમાંથી ટિકિટ માંગી હતી  જે નહિ મળતા તેમણે તેમના પુત્રની અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેને લઇ પત્રકાર દ્રારા તેમને પ્રશ્ર્ન પુછાતા તેમણે ચાલુ કેમેરા સામે જ પત્રકારને ધમકી આપી દીધી હતી. આ મામલે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા પત્રકારે માંગ કરી છે. ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારે પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે. મધુ શ્રીવાસ્તવે મારા માણસને કહીને ઠોકાવી દઈશ તેવી ધમકી આપી હતી. પત્રકારની ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યના પોલીસ વડા સુધી પહોંચી છે.
ન્યુઝ ચેનલમાં વડોદરાના રિપોર્ટર તરીકે 4 વર્ષથી ફરજ બજાવતા અમીત નગીનભાઈ ઠાકોરે પોલીસ કમિશ્નરને રજુઆત કરતા જણાવ્યું હતું કે ગત રોજ તા.8 ફેબ્રુઆરીના રોજ હું મારી સમાચારની કામગીરી માટે વડોદરા મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારના ફોર્મ ચકાસણીના કવરેજ માટે જીલ્લા પંચાયત ભવન ખાતે કેમેરામેન સુનીલ વણકર સાથે ગયો હતો. જે દરમિયાન વોર્ડ 13,14, અને 15 ની ચુંટણી અધિકારીની કચેરીમાં ગયા જ્યાં વોર્ડ 15 ની ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલી રહી હતી. ભાજપના વોર્ડ 15ની પેનલના ઉમેદવાર આશિષ જોષીએ અપક્ષ ઉમેદવાર દીપક મધુભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ ત્રણ સંતાનો હોવાની વાંધા અરજી રજુ કરી હતી. જે અરજી સંદર્ભે હું અપક્ષ ઉમેદવાર દીપક શ્રીવાસ્તવના પિતા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઈન્ટરવ્યું લેવા માટે સંપર્ક કર્યો હતો. તેઓ જીલ્લા પંચાયત ભવનના સંકુલમાં સરદાર પટેલની પ્રતિમા પાસે હાજર હતા જ્યાં હું તેમની પાસે જઇને ઇન્ટરવ્યુ આપવા માટે વાત કરી હતી. જેમાં તેઓ ઈન્ટરવ્યુ આપવા માટે રાજી થયા હતા. તેઓના પુત્રના 3 સંતાન બાબતે થયેલી અરજી સંદર્ભે મેં તેઓને ઈન્ટરવ્યુંમાં પ્રશ્ન પૂછતાં તેઓ અકળાઈ ગયા હતા. તમારા પુત્ર ચૂંટણી લડવાના એ નક્કી છે ?
તેવો પ્રશ્ન પૂછતાં ચાલુ ઈન્ટરવ્યુમાં એમ બોલ્યા હતા કે એક હજાર ટકા લડવાના છે અને હવે તમે આવા કડવા શબ્દો ન પૂછો તો સારું છે. નહિ તો બીજી વખત ઉભો પણ નહિ રાખીશ આટલું યાદ રાખજો.
જે બાદ મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાજપ અને કોંગ્રેસ બંને વોર્ડ 15 માં સામે છે તેને કેવી રીતે ટક્કર આપશો ?
તેવો પ્રશ્ન પૂછતા ધમકી આપી હતી કે સીધી રીતે પૂછ નહિ તો અહિયાં જ બતાવી દઈશ, અહિયા મારા માણસને કહીને ઠોકાવી દઈશ, આટલું ધ્યાન રાખજે આ પ્રકારે કેમેરા સામે લાઈવ કવરેજમાં ધમકી ઉચ્ચારી મને જાનથી મારી નાખવાની કે પછી કોઈ માણસ જોડે મરાવી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ધમકી ઉચ્ચારતા હવે જાનથી મારી નાખવાનો ખતરો લાગી રહ્યો છે. હું સમાચારના કામ અર્થે શહેર જીલ્લામાં ફરતો હોય ત્યારે રાજકીય વગ ધરાવતા મધુ શ્રીવાસ્તવ મારા પર જીવલેણ હુમલો કરાવી શકે છે તેવી ધમકી ઉચ્ચારતા મારા જીવને જોખમ છે. ભવિષ્યના સમયમાં મારા ઉપર હુમલો, અકસ્માત કે અન્ય કોઈ રીતે હાની પહોચે તો તેની જવાબદારી મધુ શ્રીવાસ્તવની રહેશે.
માણસ પાસે ઠોકાવી નાખવાની ધમકી આપનાર ધારાસભ્ય કોઈ ગેંગ ચલાવે છે કે કેમ ?
અને તેઓ સાથેના માણસો ગુન્હાહિત ભૂતકાળ ધરાવે છે કે કેમ તેની તપાસ કરી, ધમકી આપનાર ધારાસભ્ય સામે પણ ફોજદારી રાહે ગુનો નોંધી કાર્યવાહી કરવા રિપોર્ટર અમીત ઠાકોરે પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે.
આ ઘટનાને લઇ પત્રકાર જગતમાં ઘેરા પડઘા પડ્યા છે તેમજ પત્રકારોએ ભાજપના ઉચ્ચ નેતાઓને આ મામાલે પ્રશ્ર્નપણ પૂછ્યો કે શું ભાજપ પક્ષ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કોઈ પગલાં લેશે કે કેમ ?
તેમજ તેમની સામે કોઈ શિક્ષાતામ્ક કાર્યવાહી કરશે ખરી ?
ભાજપના ધારાસભ્યના આવા નિવેદનથી ભાજપની છબી ખરડાઈ રહી છે પણ હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ કે નેતાઓ આ મુદ્દે કંઈપણ બોલવા તૈયાર નથી જેના પરથી લાગી રહ્યું છે કે મધુ શ્રીવાસ્તવ ઉપર ભાજપના પ્રદેશ નેતાઓની કોઈ લગામ નથી જેને લઈ તેઓ અવારનવાર ગમે ત્યારે ગમે તેને જાહેરમાં ધમકી આપીને પોતાની ગુંડાગર્દી બતાવે છે.