સુપ્રીમ કોર્ટની સમિતિ ઉપર ઉઠયા સવાલ - કૃષિ કાયદાની નકલની હોળી સાથે આંદોલન શરુ રહેશે

સુપ્રીમ કોર્ટની સમિતિ ઉપર ઉઠયા સવાલ - કૃષિ કાયદાની નકલની હોળી સાથે આંદોલન શરુ રહેશે

ખેડૂત આંદોલનને પગલે સુપ્રીમ કોર્ટે 3 કૃષિ કાયદાને હાલ લાગુ થવાથી અટકાવતા અને સરકાર - ખેડૂત સંગઠનો વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા માટે કમિટીની રચના કરી છે તેને લઇ ખેડૂત સંગઠનોએ વાંધો ઉઠાવતા આરોપ મુક્યો છે કે કમિટીમાં સામેલ કરેલ 4 લોકો પહેલાંથી કૃષિ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. આમ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટની સમિતિ ઉપર સવાલ ઉઠાવતા આંદોલનને ચાલુ રાખવા માટે મક્કમતા દેખાડી છે અને લોહડી દિવસે કૃષિ કાયદાની નકલની હોળી કરશે.
રાષ્ટ્રીય કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટ રચિત કમિટીના સભ્યો અંગે સવાલ ઉઠાવતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે એને અમે વધાવીએ છીએ પણ જે 4 સભ્યની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ 4 સભ્ય પહેલાંથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યા છે. આ લોકો ખેડૂતો સાથે કેવી રીતે ન્યાય કરશે એ સવાલ છે ?
આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે આ લોકો શું ન્યાય કરશે ?
કમિટીના સભ્ય અનિલ ઘનવટે કહ્યું હતું કે કોર્ટના આદેશ ઉપર કામ કરીશું અને અંગત મતને દૂર રાખશું. ખેડૂતોનું આદોલન છેલ્લા 50 દિવસથી ચાલી રહ્યું છે જેને લઇ સુપ્રીમ કોર્ટે કમીટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આંદોલન દરમિયાન ઘણા ખેડૂતો શહીદ થયા છે પરંતુ આ આંદોલને ક્યાંક તો અટકવું જોઈએ અને ખેડૂતોના હિતમાં કાયદો બનવો જોઈએ.
સુપ્રીમ કોર્ટની સમિતિ બની હોવા છતાં ખેડૂતો હજી પણ પોતાની લડાઈ ચાલું રાખવા માટે મક્કમ છે. બુધવારે લોહડીના અવસર ઉપર સંગઠનો દ્વારા કૃષિ કાયદાની નકલોની હોળી કરાશે અને સાથે જ તા.26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી કાઢવા આવશે.